Telegram Web Link
હસે તેનું ઘર વસે:ભારતમાં કોમેડીનો સીરિયસ વેપાર!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/comedy-is-a-serious-business-in-india-134754052.html

હસવામાંથી ખસવું, હસે તેનું ઘર વસે.. વગેરે કહેવતો અજાણી નથી. હસે તેનું ઘર વસે એ કહેવત સાથે તો જોક પણ જોડાયેલો છે કે ઘર વસ્યા પછી કોણ હસ્યું છે? પણ હસે તેનું ઘર વસે કે કેમ એ સવાલનો જવાબ જાણવા જેવો છે.અહીં કેટલાક હાસ્યસર્જકો કે પછી કોમેડિયનો કે પછી સ્ટેન્ડ-અપ કોમેડિયનોની વિગતો આપી છે. એમની સાથે એમની સંપત્તિ પણ મૂકી છે. સંપત્તિ માત્ર હસાવીને કમાયા છે, એટલે હસ્યા પછી કોનું ઘર વસે તેનો જવાબ એમાં મળી જાય છે.કુણાલ કામરાએ જોકાજોકી કરી અને મામલો કોર્ટ-કચેરી સુધી પહોંચ્યો છે. એ પહેલો કિસ્સો નથી, છેલ્લોય નહીં હોય. પરંતુ એ કોઈ એક પક્ષની સમસ્યા નથી. સ્ટેન્ડપ કોમેડિયનો કોમેડીના નામે ક્યારેક ગરબડ કરે, ક્યારેક ઓડિયન્સ સાચી કોમેડીને ખોટી સમજે, ક્યારેક રાજનેતાઓને તેમાં પક્ષાપક્ષીની ગંધ આવે, ક્યારેક ધાર્મિક લાગણી પણ દુભાય.. વગેરે મુદ્દાઓને કારણે કોમેડી સર્કસના ગંભીર પ્રશ્નો તો આવતા રહેવાના. એટલે જ તો એક શૉમાં વીર દાસે કટાક્ષ કરતા કહ્યું હતું કે ભારતના કોમેડિયનો એન્વેલપ એટલે કે કવર ખોલે છે અને એમાંથી જોક નથી વાંચતા, કોર્ટની તારીખ વાંચે છે. અલબત્ત, કોમેડિયનો એવાં અપલખણ કરે તો કોર્ટની તારીખમાં હાજર પણ થવું પડે. પરંતુ દાસનો કહેવાનો અર્થ છાશવારે થતા સાચા-ખોટા કેસ તરફ હતો. કેસ તો ઘણા થાય પરંતુ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે ત્યારે મોટે ભાગે નીકળી જતા હોય છે.મૂળ વાત એ છે કે કોમેડીનું મહત્ત્વ ભારતમાં છેલ્લા બેએક દાયકામાં બહુ વધ્યું છે. ગુજરાતના સમર્થ હાસ્ય કલાકાર અને હાસ્ય સર્જક શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ ‘સદીઓ સુધી ગુલામીને કારણે ભારતની પ્રજાએ હસવાનું છોડી દીધું હતું કે ભૂલી ગયા હતા. આઝાદીનાં 70-80 વર્ષ પછી આપણે હસતા શીખ્યાં છીએ.’ હવે હસવાનું શીખ્યા છીએ તો એમાં વિવિધ પ્રકારો પણ ઉમેરાયા છે અને એમાં એક પ્રકાર સ્ટેન્ડ-અપ કોમેડી છે.આ પ્રકાર ભારતમાં અત્યારે ભરપૂર ફૂલીફાલી રહ્યો છે. એટલે સુધી કે દિલ્હી-મુંબઈ-અમદાવાદ તો ઠીક, આણંદ-અંજાર જેવાં નાનાં નગરોમાં પણ શૉ થવા લાગ્યા છે. એટલે તેનો વ્યાપ સર્વત્ર પહોંચ્યો છે. બીજી તરફ સ્ટેન્ડ-અપ કોમેડી કરીને મહિને પાંચ-પચ્ચી હજારથી માંડીને દસ-વીસ લાખની કમાણી થઈ રહી છે.સ્ટેન્ડ-અપની વાત ન કરીએ અને સમગ્ર કોમેડી જગતની વાત કરીએ તો પણ તેનું આગવું અર્થતંત્ર ઊભું થયું છે. એટલે હાસ્યકલાકારો હોય, ટીવી પર આવતા હાસ્ય શૉ હોય, કે પછી સબ ટીવી જેવી કોમેડીને સમર્પિત ચેનલ હોય.. એમને ટકી રહેવાના પ્રશ્નો નથી નડતા.જોની લીવર એક્ટર તરીકે લોકપ્રિય હતા, હવે માત્ર સ્ટેન્ડ-અપ કરે તો પણ લોકપ્રિય છે. કપિલ શર્મા તો કોમેડી દ્વારા જ નામ-દામ કમાયો છે. વીર દાસ ભારતનો એક પોપ્યુલર કોમેડિયન છે. ભારતીય કોમેડિયનોને તેણે વૈશ્વિક સ્તરે મૂકી આપ્યા છે.પણ કેવી રીતે?એવી રીતે કે 2023માં નેટફ્લિક્સ પર એક સીરિઝ આવી, ‘વીર દાસ : લેન્ડિંગ.’ 66 મીનિટ લાંબી એ સીરિઝ કે એપિસોડ કે મોનોલોગ જે ગણો એ.. એમાં દાસે પોતાની કથા રજૂ કરી હતી. કઈ રીતે એ કોમેડિયનની કારકિર્દીમાં પહોંચ્યો અને સફળ થયો. એ પછી અમેરિકી ટીવી જગત દ્વારા અપાતો એમ્મી એવોર્ડ તેને મળ્યો. દાસ માટે મોટી સિદ્ધિ હતી, તો ભારતના કોમેડિયનોની આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ ઊભી થઇ.એક સમય એવો હતો કે કોમેડિયન પોતાની ઓળખ આપવામાં નાનપ-શરમ અનુભવતા હતા. લોકોને દાંત કઢાવાનો કંઈ બિઝનેસ હોતો હશે? પણ હવે એ જ કોમેડિયનો સગર્વ પોતાની ઓળખ આપે છે અને શૉ કરવાના હજારો-લાખો રૂપિયા મેળવે છે.ગુજરાતનું ડાયરા જગત પણ કોમેડીની અસરથી બાકાત નથી. શાહબુદ્દીન રાઠોડે સાંઈઠેક વર્ષ પહેલાં સ્ટેજ પરથી શુદ્ધ અને સપરિવાર માણી શકાય એવું મનોરંજન રજૂ કરવાની શરૂઆત કરી. તેમના પ્રતાપે આજે ધીરુભાઈ સરવૈયા, જગદીશ ત્રિવેદી, વસંત પરેશ, હકાભા ગઢવી.. વગેરે અનેક નામી-અનામી કલાકારો સ્ટેજ પરથી હાસ્ય રજૂ કરીને એક કાર્યક્રમના હજારો-લાખો રૂપિયા મેળવે છે. એટલે હસવું એ ગામ માટે હસવું હોઈ શકે એ કલાકારો માટે તો ગંભીર વ્યવસાય છે, આયોજકો માટે પણ વ્યવસાય છે, સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા લોકો માટે પણ મોટો બિઝનેસ છે. એટલે એવું બને કે હસી હસીને આપણું પેટ દુ:ખે પણ કોઈનું પેટ એનાથી ભરાય છે. સૌથી વધુ સંપત્તિ ધરાવતા ભારતના કોમેડી કલાકારોબ્રહ્માનંદમ 500 કરોડકપિલ શર્મા 300 કરોડજોની લીવર 250 કરોડસુનિવ ગ્રોવર 160 કરોડવીર દાસ 120 કરોડગૌરવ કપૂર 90 કરોડરાજપાલ યાદવ 80 કરોડ વિવાદ શા માટે થાય છે?વિવાદ થવાના ઘણાં કારણો છે. જેમ કે...એક તો કોમેડિયન ખરેખર વાંધાજનક કહેવાય એવી સામગ્રી રજૂ કરતા હોય.ઘણી વાર કોમેડિયન ઓછી વાંધાજનક કહેવાય એવી સામગ્રી રજૂ કરે પરંતુ સોશિયલ મીડિયા પર પહોંચે એટલે વધુ લોકો તેને સમજે અને એમાં કોઈને વાંધો પડી શકે.હવે ફોલોઅર્સ મેળવવા દરેક કલાકાર
દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વીડિયો મૂકે. દરેક જગ્યાએ ઓડિયન્સ એક સરખું સમજદાર નથી હોતું, એટલે કોઈ જોકનો ખોટો કે અધૂરો અર્થ કરે તો પણ વિવાદ થાય.ઘણી વાર કોઈ કોમેડિયન એકાદ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે સંકળાયેલા હોય તો વિરોધ પક્ષને તેના જોકમાંથી વાંધો શોધવાનું વધારે માફક આવે.કેટલીક વાર કોમેડિયન જાણી-જોઈને વિવાદ થવા દેતા હોય છે, કેમ કે જેટલી પ્રસિદ્ધિ વિવાદ દ્વારા મળે એટલી ગુણવત્તા દ્વારા ટૂંકા સમયમાં નથી મળતી. કોમેડિયનો સામે કેસ થાય ત્યારે જેટલી ચાહકોને કે સોશિયલ મીડિયા પરનાં લોકોને ચિંતા થાય એટલી કોમેડિયનોને થતી નથી. તેમની પાસે કેસ લડવા મોંઘા વકીલના પૈસા હોય અને ઘણી વાર રાજકીય પીઠબળ પણ હોય છે, માટે પણ વિવાદ ચાલવા દેવામાં આવે.
મેંદી રંગ લાગ્યો:સીતારામને રોકોને કોઈ રાતલડી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/stop-sitaram-there-will-be-a-night-fight-134754097.html

સીતારામને રોકોને કોઈ રાતલડી,
એમ ક્યે છે કૌશલ્ય માવલડી,
સીતારામને રોકોને કોઈ રાતલડી. કૈકેયી કોયલ જાણીને તને આંબલે બેસાડી,
તારી બોલી સુણી તો જાણે કાગવાણી!
સીતારામને રોકોને કોઈ રાતલડી. મારા રામ લક્ષ્મણ વિના અયોધ્યા સૂની રે લાગે,
મારી સીતા વિના મહેલ સૂના રે લાગે,
સીતારામને રોકોને કોઈ રાતલડી. વનમાં કાંટા ને કાંકરા વાગે રે ઘણા,
વનમાં તડકા ને ટાઢ જોને લાગે રે ઘણાં,
સીતારામને રોકોને કોઈ રાતલડી. મારા રામ, લક્ષ્મણ, સીતા એ તો બાગનાં છે ફૂલ,
કૈકેયી વનમાં તો કરમાઈ જાશે આ ફૂલ.
સીતારામને રોકોને કોઈ રાતલડી.
લોકગીત એટલે લોકનું ગાયન. લોક જેવું માને એવું ગાય, ઘણીવાર એને કોઈ ઘટના બની છે કે નહિ એની સાથે બહુ લેવાદેવા નથી હોતી. શાસ્ત્રો, પુરાણો, ગ્રંથોમાં ગમે તે લખ્યું હોય, લોકને પોતાનાં શાસ્ત્રો, પુરાણો, ગ્રંથો છે!
આપણા લોકસર્જકોએ રચેલાં લોકગીતોમાં પોતાના અંતરનો નાદ પડઘાય છે. શાસ્ત્રોમાં જે ન હોય પણ પોતાના દિલમાં હોય એવી વાતો એમણે લોકગીતોમાં ગાઈ નાખી છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે, સતી પિતાને ઘેર યજ્ઞમાં જવાની શિવજી પાસે સંમતિ માગે ત્યારે કંકોતરી આવી છે? એવું શંકર સતીને લોકગીતમાં પૂછે છે! એ વખતે કંકોતરી ક્યાં હતી? પણ જ્યારે લોકગીત રચાયું હશે ત્યારે કંકોતરીની પ્રથા હશે એટલે લોકગીતમાં કંકોતરી આવે!
‘સીતારામને રોકોને કોઈ રાતલડી...’ અજાણ્યું પણ અનોખા સ્વરાંકનવાળું લોકગીત છે. વચનપાલન માટે ભગવાન શ્રીરામ વનમાં જવા નીકળ્યા, સાથે અનુજ લક્ષ્મણ અને સુભાર્યા સીતા પણ સંગાથે ચાલ્યાં. આ દ્રશ્ય જોઈને માતા કૌશલ્યા સ્તબ્ધ થઇ ગયાં હશે એવું માનીને લોકકવિએ માતાના મુખેથી આ ગીત વહેતું કર્યું. કૌશલ્યમા કહે છે કે મારા પુત્ર રામ, પુત્રવધૂને આજની રાત કોઈ વનમાં જતાં રોકી દો.
આખી ઘટના માટે જેને દોષિત માનવામાં આવે છે એ કૈકેયીને કૌશલ્યા કટુ વેણ કહે છે કે અલી કૈકેયી! અમે તને કોયલ જેવી મીઠડી જાણીને અમારા આંબે બેસાડી હતી પણ તારી બોલી તો કાગડી જેવી નીકળી. બે પુત્રો અને એક પુત્રવધૂ વિના અયોધ્યા અને મહેલ સાવ ભેંકાર લાગશે. કોમળ પુષ્પ જેવા આ ત્રણેય વનમાં કાંટા, કાંકરા, ટાઢ, તડકા કેમ સહી શકશે? આ તો આપણા બાગનાં ફૂલડાં છે, એ વનમાં કરમાઈ જશે એનો વિચાર તેં કર્યો છે?
કૌશલ્યાએ ક્યારેય કૈકેયીને આવાં કઠોર વેણ કહ્યાં હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? પણ લોકગીતમાં કૈકેયીને કૌશલ્યા ‘કાગડી’ કહી શકે છે કેમ કે આ લોકનું કથન છે. રામને પોતાને ભલે ન હોય પણ લોકને કૈકેયી પર બહુ ક્રોધ છે. લોક રામને જીવની જેમ ચાહે છે, એને વનવાસ નથી જવા દેવા ને કૈકેયીને લીધે વનમાં જવું પડ્યું છે એવું લોક સમજે છે!
શિવજી, રામ, કૃષ્ણ જેવાં પૂજ્ય પાત્રોને મધ્યમાં રાખીને આવાં કેટલાંય લોકગીતો રચાયાં છે જેમાં સત્ય કંઇક હોય ને લોકનું સત્ય વળી બીજું જ કંઇક હોય!
ગતકડું:કવિઓના પ્રકારો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/types-of-poets-134754069.html

ડૉ. પ્રકાશ દવે ક વિઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે કવિતાની સંખ્યા પણ વધી રહી છે! પણ કવિઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ વહીવટી સરળતા ખાતર કવિઓને અલગ અલગ કેટેગરીમાં વહેંચવા જરૂરી છે. ભવિષ્યમાં કવિ સંમેલનો કરવાના થાય ત્યારે કેવા કવિઓને (ન) બોલાવવા એ ખબર પડે એ માટે કવિના પ્રકારોની યાદી હાથવગી હોય તો ઉપયોગ કરી શકાય તેવી સેવાભાવનાથી આ આખો ઉપક્રમ આદર્યો છે.
આમ પણ કવિતાના પ્રકારો પડતા હોય તો કવિના કેમ નહિ એવો ગણગણાટ પણ સમાજમાં થઈ રહ્યો છે. એટલે પણ આમ કરવું જરૂરી બન્યું છે. અલબત્ત, આ પ્રકારો આખરી નથી. આ શરૂઆત છે. આ પ્રકારોની યાદીમાં તમે પણ ઉમેરો કરી શકો છો.
પ્રતીક્ષા કવિઓ: આમાં જેને શ્રોતાઓની પ્રતીક્ષા રહે છે એવા કવિઓ સામેલ કરી શકાય. જેને કવિતાની જ પ્રતીક્ષા રહે છે એને આમાં અગ્રતા આપી શકાય. કવિની તો સામાન્ય રીતે કોઈને પ્રતીક્ષા હોતી નથી પણ જે કવિ હંમેશાં કોઈની પ્રતીક્ષા કર્યા
કરતો હોય એને આ ગ્રૂપમાં અવશ્ય સામેલ કરવો. અને એને એ કોની પ્રતીક્ષા કરે છે એવું ક્યારેય ન પૂછવું. એની કવિતા જ એક ને એક દિવસે એ રહસ્યોદ્ઘાટન કરશે!
શ્રીમંત કવિઓ: સિંહની જેમ શ્રીમંત કવિઓનાં પણ ટોળાં ન હોય. કોઈ કવિ કમનસીબે શ્રીમંત પણ હોય તો એણે પોતે કવિ પણ છે એ સાબિત કરવા બહુ મહેનત કરવી પડે છે. કવિ તરીકે કારકિર્દી જમાવવા એ ઘણીવાર ધંધામાં ધ્યાન ઓછું કરીને ગરીબ બની જવા પ્રયાસ કરે છે.
પહાડ કવિઓ: આવા કવિઓ શરીરે પડછંદ હોય છે. એમનો અવાજ પહાડી હોય છે. જોકે, એમના પહાડી અવાજને રાગ પહાડી સાથે કાંઈ લેવાદેવા હોતું નથી. કવિ સંમેલનોમાં એ મંચ પર બેઠા હોય ત્યારે મંચ ભર્યોભર્યો લાગે છે. આ દૃશ્ય એક ખંડકાવ્ય ફરતાં બે ચાર હાઈકુ મૂકી દીધા હોય એવું લાગે છે. એમની છાયામાં આજુબાજુના બે ત્રણ કવિઓ દેખાતા નથી. તેઓ કવિતા રજૂ કરવા માઇક તરફ જતા હોય ત્યારે એના ભારે પગના ધમધમાટથી સ્ટેજ ધણધણી ઊઠે છે. અને ઓછા વજનવાળા કવિઓ મંચ પર ઊછળવા લાગે છે. સાઉન્ડ સિસ્ટમવાળો આ કવિને આવતા જોઈને સાવધાન બની જાય છે અને માઇક્રોફોનને એની મહત્તમ ઊંચાઈએ સેટ કરી આપે છે. પહાડી કવિ માઇક ચેક કરવા ફૂંક મારે છે ત્યારે આખું માઇક હલી જાય છે. આ પહાડ કવિઓ કવિતા રજૂ કરીને 'ડુંગર દૂરથી રળિયામણા' એ કહેવત સાચી પાડી બતાવે છે! પોતાના પડછંદપણાંને લીધે એ ઘણીવાર છંદને પડતા મૂકી શકે છે!
નાજુક કવિઓ: આપણે ત્યાં મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. એ નાજુક શબ્દના અર્થ કરતાં પણ વધુ નાજુક હોય છે. વિશ્વની કોઈપણ ઋતુઓ એના સ્વાસ્થ્યને અનુકૂળ હોતી નથી. એમ લાગે કે ભગવાને એને કોઈપણ ઋતુ માટે બનાવ્યા નથી. જોકે, એ કોઈપણ ઋતુ પર કવિતા બનાવી શકે છે!
કવિના શરીર સાથે એનું મન અને હૃદય પણ એટલાં જ નાજુક હોય છે. કવિના હૃદયને તૂટવા માટે કોઈપણ ઘટનાની જરૂર પડતી નથી. કોઈ એનું દિલ તોડી શકે છે એવા કાલ્પનિક વિચાર માત્રથી એનું દિલ તૂટી જાય છે. કાગનું બેસવું અને ડાળનું પડવું એ કહેવતને પણ નાજુક કવિ અતિક્રમી જાય છે. કવિની ડાળને તૂટવા માટે કાગડો બેસે એની રાહ જોવી પડતી નથી! જાણકારો કહે છે કે કવિનું હૃદય પહેલેથી જ તૂટેલું હોય છે. પછી જ્યારે જ્યારે તૂટે એ તો પડ્યા પર પાટુ માત્ર હોય છે.
બીમાર કવિઓ: એ નાજુક કવિઓનો એક પેટા પ્રકાર છે. સંશોધકો દ્વિધામાં છે કે આ લોકો નાજુક છે એટલે બીમાર પડે છે કે બીમાર રહે છે એટલે નાજુક થઈ ગયા છે?!
બેમાર કવિઓ: આ બીમાર કવિઓની વાત નથી. બેમાર કવિઓની વાત છે. આવા કવિઓ ઘરનો અને બહારનો એમ બે પ્રકારનો માર ઝીલીને પણ કવિતાને વફાદાર રહી શકે છે. આવા કવિઓ પોતાનાં જીવન અને કવનમાં ગીત અને ગઝલ એમ બન્નેને એકસરખું માન અને સ્થાન આપી શકે છે. ઉપરાંત ક્યારેક હાઈકુ અને મુક્તક જેવા પ્રકારો પણ ખેડી બતાવે છે. આમાં મજાની વાત એ છે કે આમજનતાને છેક સુધી ખબર નથી પડતી કે એ ગીત કવિ છે કે ગઝલ કવિ?!
બેશુમાર કવિ: આવા કવિઓની સર્જકતા ઓવરફ્લો થઈ ગયેલી રહે છે. તેઓ કલાકના પરિમાણને ધ્યાનમાં રાખીને કવિતા લખતા રહે છે. દર કલાકે એક કવિતા ન લખાય તો કવિને 'સર્જકતાનો દુષ્કાળ' પડ્યો હોય એમ લાગે છે. એક કૃતિ લખીને તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે એ દરમ્યાન જ તેમને બીજી કવિતા સ્ફૂરી જાય છે.
ક્યારેક તો એને કવિતા અંદરથી એટલું પ્રેશર કરે છે કે એક હાથે કવિતા પોસ્ટ કરતા હોય છે અને બીજા હાથે નવી કવિતાનો પ્રસવ કરતા હોય છે. અમુક વખતે તો કવિની કલમકૂખેથી જોડિયા કવિતાઓ જન્મે છે! આ 'ટ્વિન્સ'માં ક્યારેક બન્ને ગઝલ તો ક્યારેક બન્ને ગીત રચના હોય છે. અપવાદરૂપ કિસ્સામાં એકસાથે ગીત આ એ ગઝલ પણ અવતાર ધારણ કરી કવિને ધન્ય બનાવી દે છે.
ઓક્સિજન:હેપ્પીનેસ ઇન્ડેક્સ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/happiness-index-134754101.html

‘આ દુનિયામાં કોણ ખરેખર ખુશ છે?’ વંદનાની ફરિયાદ સાંભળી સંજીવ વિચારે ચડ્યો. તેની પત્ની, બાળકો, માતા વગેરે કહેતાં કે જે થઈ રહ્યું છે તેનાથી તેઓ ખુશ નથી. સંજીવ સારું કમાતો હતો, ઘરખર્ચ પહોંચી વળતો, ઘરના દરેક સભ્યની જરૂરિયાતોને પૂરી પણ પાડતો. સંજીવ માટે પણ આ એક મોટી કસોટી હતી કે સહુને ખુશ કેવી રીતે રાખવા?
પત્ની કૂકિંગ કોમ્પિટિશન જીતી ના શકી, દીકરાને આઇટી એન્જિનિયરિંગમાં જવા નહોતું મળ્યું, દીકરીનું ક્યાંય ગોઠવાતું નહોતું, માતાને અયોધ્યા નહીં જઈ શકવાનો વસવસો હતો. ઘરના સહુ પાસે નાખુશ રહેવા માટે આવું કોઈ ને કોઈ કારણ હતું. આ બધાંનું કરવું શું?
એ દિવસે સંજીવ મોટો ડબો ભરીને લખોટીઓ લાવ્યો. સહુને આશ્ચર્ય થયું. તે કહે આજે રાત્રે આપણે બધાં એક ગેમ રમીશું. ગેમ શું હતી? સંજીવે દરેકને બે વાટકા અને થોડી લખોટીઓ આપી અને ગેમ સમજાવી.
દરેક વ્યક્તિએ પોતાની નાખુશીનું એક કારણ જણાવી, એક વાટકામાં ‘શું મેળવ્યું’ અને બીજા વાટકામાં ‘શું ના મેળવ્યું’ એ પ્રમાણે લખોટીઓ મૂકતા જવાનું. અંતે નક્કી કરવાનું કે કેટલું મેળવ્યું ને કેટલું ગુમાવ્યું. જોતજોતામાં ‘ના મેળવ્યું’વાળો વાટકો ભરાઈ ગયો. હવે શું? સંજીવ કહે, ‘આ રસ્તો તો બંધ થઈ ગયો. હવે એમ વિચારો કે જે તમને મળ્યું છે તેનાથી તમે શું શું પામી શકશો?’
વિચારો વહેવા લાગ્યા. વંદના ફૂડ ઇન્ફ્લુએન્સર બની શકશે, દીકરો મિકેનિકલ એન્જિનિયર થઈ જર્મની જઈ શકશે, દીકરી જોબમાં ફોકસ કરી શકશે, માતા આખા પરિવારને લઈને અયોધ્યા જઈ શકશે. જીવનમાં જે થઈ રહ્યું છે તે દિશામાં વિચાર્યું તો સહુને વાટકા નાના પડે એટલી ખુશીઓ દેખાઈ. સંજીવે છલકાઈ રહેલા વાટકાને હાથમાં લીધો અને કહ્યું, ‘જે નથી મળ્યું તે ગણવા ના બેસીએ, પણ જે મળ્યું તેનો આનંદ કરીએ. આ જ છે આપણો હેપ્પીનેસ ઇન્ડેક્સ!’
કાલ્પનિક મિત્ર:આત્મચિત્રોમાં વેદનાની પરાકાષ્ઠા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-culmination-of-suffering-in-self-portraits-134754076.html

મે ક્સિકન પેન્ટર ફ્રિદા કાહલોએ નાનપણમાં એક ઈમેજીનરી એટલે કે કાલ્પનિક મિત્રને જન્મ આપ્યો. ફ્રિદાની એ કલ્પનામય બહેનપણી તેનાં ચિત્રો અને વિટંબણાઓના આકાર થકી મોટી થતી ગઈ. પતિ ડિએગો રિવેરા સાથે ફારગતિ કર્યા પછી ફ્રિદાએ 1939માં એક ચિત્ર બનાવ્યું, જેનું નામ પણ હોવું જોઈએ એમ જ, ‘ધ ટુ ફ્રિદાસ’ રાખ્યું. આ સેલ્ફ પોટ્રેટમાં બે ફ્રિદા એકબીજીની નજીક બેઠી છે.
આ ચિત્ર મુક્તિ અને બંધનનું છે. ધ ટુ ફ્રિદાસ લગ્ન નામની વ્યવસ્થાને બંધન માને છે. લગ્નના પોશાકમાં રહેલી ફ્રિદાએ જાણે પોતાના જ હાથે પોતાના પગ પર કુહાડી મારી હોય એમ હૃદયની નસ કાપી નાખી છે. પ્રેમમાં અડધું હૃદય આપી દેવું એમ એણે આપી દીધું છે, કે એ પ્રેમના વેપારમાં ખર્ચાઈ ગઈ છે. પરંતુ ચર્ચા બાજુની ફ્રિદાની કરવી જોઈએ.
એ મુક્ત છે. એ ગમે એવો પોશાક પહેરી શકે છે. એનું હૃદય હજુ પરિપૂર્ણ છે. લગ્નનાં સફેદ વસ્ત્રો પહેરેલી ફ્રિદાની નસ કપાઈ એ મૃત્યુ તરફ સંકેત કરે છે. એની હૃદયનાળ સીધી બાજુની ફ્રિદાના હૃદય સાથે જોડાયેલી છે. ચિત્ર કહે છે કે એકાંત અને સહવાસ બેઉં સ્થિતિ અંતે તો મૃત્યુ તરફ લઈ જાય છે. એકાંત કોઈનો સહવાસ ઝંખે છે. સહવાસનું નિર્મૂલન થતાં ફરી એકાંત અને એ એકાંતમાં અતીતના સહવાસની સ્મૃતિઓનું ક્ષણે ક્ષણે વિચ્છેદન કરી પરાણે જીવંત રહેવું. અંતે તો એમનું એમ જ!
ડાબી બાજુની ફ્રિદા એ પતિ રિવેરાની અસ્વીકૃતિમાંથી જન્મેલી છે અને જમણી બાજુની ફ્રિદા એ પતિ રિવેરાની સ્વીકૃતિમાંથી. લગ્ન પહેલાં પ્રેમ ટોચ પર હોય અને લગ્ન પછી ધીમે ધીમે એનું તળિયું દેખાવા લાગે. પ્રેમ નામનું ઝરણું લુપ્ત થવાના કિનારે આવી ઊભું રહી જાય.
કેટલાક ચિત્ર વિવેચકોએ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ બાદ જે ચળવળે જોર પકડેલું એ અતિયથાર્થવાદ પણ આ ચિત્રના ગજવામાં હોવાનું કહેલું. જોકે ફ્રિદાએ એ બાબતને નકારી હતી. કેટલાક આર્ટ ક્રિટિક્સે આ ચિત્રમાંથી ફ્રિદાની પ્રદેશ ભૂમિકા પણ ખોળી કાઢેલી. પિતા જર્મન અને માતા મેક્સિકન એ રૂએ એક ફ્રિદાને જર્મનીની તો બીજીને મેક્સિકોની ગણાવી હતી.
આ તમામ તર્કો જમીનનો કચરો બની જાય છે જ્યારે જમણી બાજુની ફ્રિદાના હાથમાં રહેલું ચિત્રકાર પતિ દ્વારા તૈયાર કરાયેલું મિનિએચર પોટ્રેટ દેખાઈ જાય. આ ચિત્ર 1947માં મેક્સિકોની ફાઇન આર્ટ્સ સંસ્થા દ્વારા હરાજીમાં મૂકાયેલું. એક હજાર ડૉલર જેટલી માતબર રકમમાં વેચાયેલા આ ચિત્રને ફ્રિદાનું સૌથી મોંઘું ચિત્ર ગણવામાં આવે છે.
ફ્રિદા અને પતિ રિવેરો વધારે સમય જુદાં ન રહી શક્યાં અને એક વર્ષ બાદ ફરી લગ્ન કરી લીધું. દાંપત્યજીવનની સેકન્ડ ઇનિંગમાં પણ ખટાશ ભળી. જોકે એમનું ગાડું અફેર, વિખવાદો, હોસ્પિટલના ધક્કા અને આંતરિક સંઘર્ષને સાથે રાખી ચાલતું રહ્યું. એ એક વર્ષના અંતરાલમાં જ વિશ્વને આ અદભુત ચિત્ર મળ્યું. ખરેખર, કેટલુંક અંતર એ પ્રેમને કલાકીય અને કૃતિને કાળભોગ્ય પણ બનાવી આપે છે.
એણે પોતાની ડાયરીમાં આ ચિત્ર મિષે ઇમેજીનરી ફ્રેન્ડની વાત કરેલી, ડિએગો સાથેના વેવિશાળભંગ બાદ એકલતા અને નિરાશાની વાસ્તવિકતા બયાન કરવા આ ચિત્ર દોર્યું હોવાનું એમાં એણે ટાકેલું.
જાણીને નવાઈ લાગશે અને પ્રેરણા પણ મળશે કે ફ્રિદાએ ક્યાંય ચિત્રનું પ્રાથમિક કે ઉચ્ચ કોટિનું શિક્ષણ નહોતું મેળવ્યું. પિતા, નવજાગૃતિકાળ અને ઈટાલિયન ચિત્રકાર અમેન્ડો મોડિગ્લિઆની એની પ્રેરણા હતા. ફ્રિદાની બે જન્મતારીખ છે. પહેલી જન્મતારીખ જુલાઈ 6, 1907, પરંતુ ફ્રિદા આ જન્મતારીખને સાચી માનતી નથી. એનો સ્વીકાર પણ એણે જીવતેજીવ નહોતો કર્યો. એણે 1910નો સમયગાળો કહેલો. જે સમયે મેક્સિકોની ક્રાંતિ થઈ હતી. અગાઉ જે કહ્યું એ તેના વિધાન દ્વારા સમજીએ તો, ‘હું સ્વપ્નોને નહીં પરંતુ વાસ્તવિકતાને દોરું છું.’ આવું કહી તેના પર અતિયથાર્થવાદ – સરરિયાલિજમનો સિક્કો મારનારાઓને તેણે વખોડી કાઢ્યાં હતાં. આમ ફ્રિદા બે વસ્તુ સાથે સંકળાયેલી રહી, બે જન્મતારીખ, ચિત્રમાં બે ફ્રિદા, સ્વપ્ન અને અતિયથાર્થવાદ, જર્મન અને મેક્સિકો પ્રદેશનું લોહી...
1925નો એ સમય જ્યારે ફ્રિદા મિત્ર એલેક્સની સાથે બસમાં મુસાફરી કરી રહી હતી. મુસાફરી દરમિયાન બસ અથડાઈ અને અકસ્માતનો ભોગ બનવું પડ્યું. ફ્રિદા હોસ્પિટલના બિછાને હતી. પિતા પણ ફોટોગ્રાફી કળા સાથે સંકળાયેલા હોવાથી એમણે તેને જીવવા માટે કળાનું શરણું આપ્યું.
કેમેરાની જગ્યાએ કલર અને બ્રશ ખરીદી આપ્યાં. બાકીનું કામ માતાએ કર્યું. એમણે ઇઝલ – પાટિયું રાખવાની જગ્યા લઈ આપી. આ અકસ્માતના કારણે મળેલા ફુરસદના સમયે જ તેને ચિત્ર તરફ વાળી. અને આ અકસ્માત જ ભવિષ્યનાં કેટલાંક મહાન ચિત્રોને જન્મ આપવાનો હતો.
એણે ચિત્રોમાં પોતાની આત્મકથાને ઉતારી. એમાં મનોવૈજ્ઞાનિક અભિગમ તો ક્યાંક ને ક્યાંક સંવૃત થયેલો જ હતો. 1940માં બનાવેલા ‘સેલ્ફ પોટ્રેટ વિથ થ્રોન નેકલેસ એન્ડ હમિંગબર્ડ’ નામના ચિત્રમાં તો મેક્સિકોની લોકગાથાઓની માફક નીતિકથા પણ વર્ણવી હોય તેવું ચિત્ર છે. એક વાર્તા બની શકે એવું ચિત્ર! આ ચિત્રમાં તેણે ટ્રેજેડીનો અવહાસ કર્યો છે.
આત્મચિત્રની ફ્રિદાના ગળામાં બાવળનો બનેલો કાંટાળો હાર છે. એક કાળી બિલાડી એની ગરદનની જમણી બાજુ તો ડાબી બાજુ વાંદરો તેના માથામાંથી જૂ કાઢી હાથથી દબાવતો હોય અને બરાબર ગરદનની નીચે - કૉલર બોન પર - હમિંગબર્ડ લટકેલું છે.
હમિંગબર્ડને પ્રેમના પ્રતીક તરીકે નિરૂપવામાં આવે છે. એ પક્ષી સ્વતંત્રતાનું સિમ્બોલ છે. જોકે હમિંગબર્ડ કાળું નથી હોતું, પણ અહીં કાળું છે. આત્મચિત્રની ફ્રિદા એકલતાનું ઠેકાણું બની ગઈ હોય એવી લાગે છે. એ સ્વતંત્ર નથી. બિલાડી અપશુકન તરફ ઇશારો કરે છે. એ પણ કાળી એમ વાંદરો પણ કાળો. આ ત્રણે જનાવરો ચિત્રમાં અવિશદ સુસંબદ્ધતા ધરાવે છે.
ટ્રેજેડીનો આવો ઘાટ ઘડાયો હોવા છતાં ચિત્રમાંની ફ્રિદાને કશો ફર્ક નથી પડી રહ્યો. એના ચહેરાની એક પણ રેખા દુ:ખદ હોય એ રીતે આંકવામાં નથી આવી. ફ્રિદાએ અહીં કરુણતાની મશ્કરી ઉડાવી છે. અઢાર વર્ષની ઉંમરે બસ અકસ્માતના કારણે પહેલું ઓપરેશન આવ્યું. એ પછી તો આ કલાયિત્રીને એક પછી એક એમ પાંત્રીસ જેટલાં ઓપરેશન કરવા પડ્યાં.
આ જ શારીરિક સ્થિતિને એક બીજા ચિત્ર દ્વારા પણ ઉકેલવાનો પ્રયાસ કરીએ. સમીક્ષકો કહે છે કે, ‘ધ બ્રોકન કૉલમ’ ચિત્રની તેની પ્રેરણા સેન્ટ સબેસ્ટિયન હતા. સબેસ્ટિયનને સજા માટે ઝાડની સાથે બાંધી દઈ તેમના પર અગણિત બાણની વર્ષા કરવામાં આવી હતી.
જોગાનુજોગ સંત સબેસ્ટિયન બચી ગયા. એ પુરુષનું ચિત્ર છે. તો શું પુરુષને જ આ પ્રકારની વેદના મળે? સ્ત્રીને ન મળે? અને એ વેદના ધર્મને ઓગાળી નાખી કોઈ ઘાતક સ્વરૂપ અખત્યાર કરી લે ત્યારે શું? સબેસ્ટિયન તો ઈશ્વરના પ્રિય સંત હતા એટલે બચી ગયા, તો શું પૃથ્વી પરના અન્ય મનુષ્યો પરમ કૃપાળુ પરમેશ્વરના સંતાનો નથી? આવા કેટલાક પ્રશ્નો ફ્રિદાના ‘ધ બ્રોકન કૉલમ’ ચિત્રમાં જોઈ શકાય છે.
ફ્રિદા અહીં પોતાની જાતને એક શહીદના ચોગઠામાં મૂકી જુએ છે. પોતે અઢળક શારીરિક તકલીફોથી પીડાતી હોવાના કારણે તેણે પોતાની દુર્દશાને દર્શાવવા ચિત્રમાં ખીલીઓનો ઉપયોગ કર્યો. આ પીડા કેવી તો કે જેવી રીતે શરીરમાં અઢળક ખીલીઓ એકસાથે ચૂભેલી હોય એવી. ‘કૉલમ’ એટલે કે થાંભલો. એ પણ કળાકૃતિવાળો. હવે કુદરત સાથે એને કશો નાતો રહ્યો નથી. કોઈ શિલ્પકારે કારીગરી કરી હોય એ ઢબનો છે. ડૉક્ટરો અહીં શિલ્પકારની ભૂમિકામાં છે અને પોતાની કલા બતાવી છે.
ખબર નહીં શરીર માંહે શુંનું શું કરી નાખ્યું હશે? માત્ર પીડાની કલ્પના કે અંદર કંઈક આવું ઊભું અને એ પણ વચ્ચે વચ્ચેથી તૂટેલું હોય એવું લાગે છે. એ ચિત્રમાં દેખાતી ફ્રિદાના શરીરની બરાબર વચ્ચે છે. ફ્રિદાને કરોડરજ્જુનું ઓપરેશન આવ્યું હતું. એ શસ્ત્રક્રિયા જ આ ચિત્રની પ્રેરણા. પણ આ ‘કૉલમ’ શરીરના અંદરના હિસ્સાને કેવી રીતે વિખૂટું પાડી નાખે છે, એ પણ એક ભાવક તરીકે જોવાનું છે.
ફ્રિદાની વાત જોકે એટલેથી પૂરી નથી થતી. તો પછી શું અધૂરું રહે એ વાત હવે પછી.
આંતરમનના આટાપાટા:‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ’ ભારતે નકારવો જોઈએ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/india-should-reject-the-world-happiness-report-134754112.html

ડૉ. જય નારાયણ વ્યાસ હમણાં એક મિત્ર મળવા આવ્યા. અમદાવાદની રિઅલ એસ્ટેટ માર્કેટમાં અત્યારે પ્રમાણમાં માંગ ઘટી છે. આમ તો સામાન્ય રીતે દરેક બજાર મંદીમાં ચાલતું હોય છે એવી છાપ ઊભી થયા વગર રહેતી નથી. અત્યારે નવું મકાન ખરીદવા માટે બૅન્કની લોન પણ સરળતાથી મળે છે.
આ બધાં વચ્ચે મેળ પડી ગયો એટલે પેલા ભાઈએ એક સારા વિસ્તારમાં ફ્લૅટ લઈ લીધો. આ ભાઈ નવો ફ્લૅટ લીધો એના થોડા દિવસ પછી મળ્યા ત્યારે ખુશખુશાલ હતા. બે-ચાર અઠવાડિયામાં એમનો મૂડ એકાએક ખરાબ થઈ ગયો. અચકાતાં અચકાતાં એણે કહ્યું કે, થોડી ઉતાવળ થઈ ગઈ. થોડી રાહ જોઈ હોત તો બાજુમાં આનાથી પણ સારી સ્કીમમાં પ્રમાણમાં ઓછા ભાવે અને સારી યોજનામાં ફ્લૅટ મળી જાત.
આપણે કશુંક ખરીદીએ કે વેચીએ ત્યારે આવું બનતું હોય છે. પાડોશી નવું ફ્રીજ લઈ આવે, ઘરમાં બધાં ખુશખુશાલ હોય ત્યારે સાચવીને મમરો મૂકનારા મળી રહે છે કે ‘મને પહેલાં કહ્યું હોત તો તમને પાંચેક હજારનો ફાયદો કરાવી આપત.’ ફ્રીજ ખરીદાઈ ગયું, પેલા ભાઈના ઘરે આવી પણ ગયું હતું, બધાં આઇસક્રીમની જ્યાફત ઉડાવી રહ્યા છે ત્યારે એની રસોઈમાં ધૂળ શું કામ નાખો છો? હાથે કરીને રંગમાં ભંગ પડાવવાની જરૂર ખરી?
ક્યારેક એવું લાગે છે કે આપણે સ્વભાવગત દુઃખી છીએ. ગમે ત્યાંથી દુઃખનો અવસર શોધી કાઢીએ છીએ. તમે એમ માનતા હો કે સૌથી વધુ સમૃદ્ધિ હોય તે સુખી હોય તો તેમાં પણ થાપ ખાઓ છો. વિશ્વમાં એક અહેવાલ બહાર પડ્યો છે, જેને વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ કહે છે. છેલ્લાં 13 વર્ષથી 20 માર્ચના રોજ ઊજવાતા વર્લ્ડ હેપ્પીનેસ ડેના અવસરે દુનિયાના સૌથી ખુશહાલ દેશીનો યાદી જાહેર થઈ, તેમાં દુનિયાના સૌથી ખુશહાલ દેશમાં પહેલા નંબરે ફિનલેન્ડ અને દસમા નંબરે મેક્સિકો આવ્યા. બેથી નવ નંબર અનુક્રમે ડેન્માર્ક, આઇસલેન્ડ, સ્વીડન, નેધરલેન્ડ્સ, કોસ્ટારિકા, નોર્વે, ઇઝરાયલ અને લક્ઝમ્બર્ગ આવ્યા.
આ રિપોર્ટ તૈયાર કરનારાઓનું કહેવું એવું છે કે, સૌથી ખુશ દેશોને માપવાનો તેમનો માપદંડ ત્રણ મુખ્ય બાબતો પર આધારિત હતો, જેમાં, જીવન મૂલ્યાંકન, હકારાત્મક લાગણીઓ અને નકારાત્મક લાગણીઓનો સમાવેશ થાય છે. છેલ્લાં આઠ વર્ષથી ફિનલેન્ડ સતત નંબર એક પર રહે છે, જેનું રહસ્ય તેમનું ખુશખુશાલ હર્યુંભર્યું જીવન છે. હેપ્પીનેસની મૂળ ભલામણ ભૂતાને કરી હતી, જે આ યાદીમાંથી જ બહાર નીકળી ગયું. જ્યાં અશાંતિ કાયમી ધોરણે ઘર બાંધીને રહે છે એવા પાકિસ્તાન, યુક્રેન અને પેલેસ્ટાઇન ભારત કરતાં વધુ ખુશ છે.
ટ્રમ્પના શાસનમાં અમેરિકનો દુ:ખી થયા છે અને અમેરિકા અત્યાર સુધીના સૌથી ખરાબ ક્રમે 24મા નંબરે પહોંચ્યું છે, જ્યારે બ્રિટન 23મા નંબર છે. ભારત 126મા નંબરે હતું તે 8 ક્રમ કાપીને 118મા નંબરે પહોંચ્યું છે, પણ એના પાડોશી દેશોમાં પાકિસ્તાન 108મા નંબરે, નેપાળ 92મા નંબરે છે. આ બધું જોઈએ ત્યારે એવું લાગે છે કે, ‘હેપ્પીનેસ (ખુશાલી)’ માનસિકતા વધુ છે, અને વાસ્તવિકતા પ્રમાણમાં ઓછી છે.
એક વાત યાદ આવે છેઃ એક રાજા બીમાર પડ્યો. ભલભલા વૈદ્ય-હકીમો એને સાજો ન કરી શક્યા. દૂર-દૂરના પ્રદેશોમાંથી પણ નામી વૈદ્ય-હકીમોને બોલાવ્યા પણ પરિણામ શૂન્ય. એવામાં એક દિવસ એક ઓલિયો આવી ચડ્યો. ડૂબતો તરણાને પકડે. પેલા ઓલિયાને રાજા સમક્ષ હાજર કર્યો. ઓલિયાએ ધ્યાન ધર્યું. આંખો ખોલી ત્યારે ઉકેલ હાજર હતો. એણે કહ્યું, ‘રાજાને સુખી માણસનું ખમીસ પહેરાવો.’
‘બસ, આટલું જ?’ સુખી માણસની શોધમાં આખા રાજાના સિપાઈઓ કામે લાગ્યા. કામ ધાર્યા કરતાં અઘરું નીકળ્યું. સુખી લાગતા કોઈ પણ માણસને પૂછે તો એ કોઈકનું કોઈક દુઃખ રડે. એક દિવસ ગુપ્તચર સમાચાર લાવ્યો કે ગામ બહાર નદીના પટમાં એક બાવો પહોળો થઈને પડ્યો છે. રાજ્યના પ્રધાનની આગેવાનીમાં સૈનિકો પેલા બાવા પાસે પહોંચ્યા. પ્રધાનજીએ એને પૂછ્યું કે, ‘બાપજી, તમે સુખી છો?’ બાવાનો જવાબ હતો, ‘હા, મને કોઈ દુ:ખ નથી. પ્રધાન તો રાજીના રેડ થઈ ગયા. નમ્રતાથી એમણે કહ્યું, ‘અમારા પર કૃપા કરો, રાજાને તમારા ખમીસની જરૂર છે.’ પેલા બાવાએ કહ્યું, ‘પણ મારી પાસે તો ખમીસ જ નથી?’
હવે આ બાવાનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ કઈ રીતે કાઢવાનો? આપણે ‘સંતોષી નર સદા સુખી’ સૂત્રને આત્મસાત્ કર્યું છે એટલે આપણે સુખી છીએ.
હેપ્પીનેસે ઇન્ડેક્ષમાં ભારત ટોચ પર હોવું જોઈએ. આ બીજાઓને નહીં સમજાય, એ માટે આ દેશની આબોહવામાં જન્મવું પડે અને મોટા થવું પડે. બસ, તો પછી તમે સુખી જ છો. તમારે તકલીફ છે, કારણ કે ગયા જનમમાં તમે કોઈ પાપ કર્યાં હશે. પાડોશી સુખી છે (તમારા મતે) કારણ કે, એણે ગયા જન્મમાં પુણ્ય કર્યાં હશે. સ૨વાળે આપણે બધાં જ સુખી છીએ.
આ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટને ભારતે સર્વાનુમતે રદ કરી નાખવો જોઈએ, એ ગેરમાર્ગે દોરનારો છે. સુખ એ મનની સ્થિતિ છે અને આપણે 34 કરોડ દેવી-દેવતાઓના આશ્રિત છીએ, પછી દુઃખી કઈ રીતના હોઈએ?
યાદ રાખો, બાવો સુખી હતો પણ એની પાસે ખમીસ નહોતું, જ્યારે રાજા પાસે મોંઘામાં મોઘાં કપડાં હતાં પણ એ દુ:ખી હતો, બોલો સમજાય છે કંઈ?
બ્લેક એન્ડ વ્હાઈટ:ખેપાની બાવાઓ V/S ભોળા ભક્તો!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-khepani-bawa-vs-the-naive-devotees-134754110.html

મા ર્ચ, 2025ના છેલ્લા સપ્તાહની એક આઘાતજનક ઘટનાને કારણે આ લેખ લખવાનો વિચાર આવ્યો. જે વાચકો અંધશ્રદ્ધા ધરાવતા હોય કે કોઈ ફાઇવ સ્ટાર કે નકલી બાવાઓના રવાડે ચડેલા હોય તેમને ચેતવણી આપી દઉં કે આ લેખ વાંચવાનું માંડી વાળજો.
મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના સોહાગીની એક ટીનેજર છોકરીની તબિયત ખરાબ રહેતી હતી. તે ઓગણીસ વર્ષીય છોકરીના કુટુંબના સભ્યોને લાગ્યું કે આ છોકરીના શરીરમાં કોઈ ભૂત આવી ગયું છે એટલે તેમણે તેને ડૉક્ટર પાસે લઈ જવાને બદલે ચમત્કારી શક્તિઓ ધરાવતા એક ચમત્કારી બાબાની મદદ માગી. તે બાબો તેમના પર ઉપકાર કરીને તેમના ઘરે આવ્યો.
તે બાબાએ એક રૂમમાં ચોકથી એક મોટું કુંડાળું દોર્યું અને પછી તે છોકરીના કુટુંબના તમામ સભ્યોને એ કુંડાળામાં ઊભા રાખીને ધમકી આપી કે ‘આ કુંડાળામાંથી બહાર આવશો તો આ છોકરીના શરીરમાં ભૂત છે એ તમને નુકસાન પહોંચાડશે અને કદાચ તમારા શરીરમાં આવી જશે!’ તે બધા બેવકૂફો એ કુંડાળામાં ઊભા રહ્યા.
એ દરમિયાન દુષ્ટ બાબો છોકરીના શરીરમાંથી ભૂત ભગાડવાને બહાને તેને બીજા રૂમમાં લઈ ગયો અને તેણે તેના પર બળાત્કાર કર્યો! એ પછી તે નાસી છૂટયો. બહુ વાર લાગી એમ છતાં બાબો પાછો ન આવ્યો એટલે કુટુંબના સભ્યોને શંકા ગઈ. એ પછી પેલી છોકરી આવી અને તેણે રડતાં-રડતાં આપવીતી સંભળાવી. એ પછી તેના કુટુંબના સભ્યોએ પોલીસને ફરિયાદ કરી. પોલીસે તે બદમાશ બાબાને પકડી પાડ્યો અને જેલભેગો કર્યો.
આપણા દેશમાં આવી ઘટનાઓ સમયાંતરે બહાર આવતી રહે છે. થોડાં વર્ષો અગાઉ અમદાવાદમાં બે યુવાન ચેલીઓ સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપને કારણે વિવાદ થતા જેણે ભારત છોડીને ભાગી જવું પડ્યું હતું એવો બાબો નિત્યાનંદ પણ ફરી વિવાદમાં ઘેરાયો છે. નિત્યાનંદ ભાગીને બોલીવિયા ગયો હતો. ત્યાં પણ તેણે આદિવાસીઓ પાસેથી જમીન પડાવીને પોતાના ‘નવા સ્વાયત્ત દેશ’ (‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસ’)ની
સ્થાપના કરી હતી. બોલીવિયાની સરકારે એ કરારને જમીન કૌભાંડ ગણાવીને નિત્યાનંદના તમામ સાગરીતોને બોલીવિયામાંથી તગેડી મૂક્યા છે અને ત્યાંની સરકારે નિત્યાનંદને કદાચ જેલમાં ધકેલી દીધો છે.
નિત્યાનંદ અનેક વખત સેકસ કૌભાંડને કારણે વિવાદમાં ઘેરાયો હતો, પરંતુ તેનો ધંધો લાંબા સમય સુધી ચાલતો રહ્યો હતો.
આપણા દેશમાં આવા બાબાઓ માટે મજાની વાત એ છે કે તેઓ ગમે એવા કોઠાકબાડા કરે, ભોળા ભક્તો તેમને પૂજતા રહે છે અને ચૂંટણીઓ વખતે આવા બદમાશ બાવાઓના ભક્તગણનો ફાયદો મેળવવા માટે રાજકારણીઓ નફ્ફટાઈની તમામ હદો પાર કરીને તેમને અછોવાના કરતા રહે છે!
ધારો કે નિત્યાનંદને પ્રત્યર્પણ દ્વારા પાછો ભારત લાવવામાં આવે, તેની સામે કેસ ચાલે, તેને જેલની સજા થાય એ પછી તે જેલની સજા ભોગવીને બહાર આવીને પાછો આશ્રમ શરૂ કરે તો પણ તેના આશ્રમમાં લોકોની લાઈન લાગી શકે! આવા ઘણા ખેપાની બાવાઓ, બાબાઓ, બાપુઓ, બાપજીઓ, સ્વામીજીઓ કે મહારાજો તેમના દબદબાથી ભોળા ભક્તોને આંજી દે છે. એમાંના ઘણા બાવાઓ, બાબાઓ, બાપુઓ ‘ફાઇવ સ્ટાર સંત’ બની જાય છે. પછી મંદબુદ્ધિના ભક્તો એવા ‘ફાઈવ સ્ટાર’ બાવાઓ, બાબાઓ, બાપુઓને ‘સેવન સ્ટાર’ બનાવી દે છે.
જેમ જેમ સંપત્તિ છલકાતી જાય છે તેમ તેમ એવા નકલી બાવાઓની સાદગી અદૃશ્ય થતી જાય છે. તેઓ વીવીઆઈપી બની જાય છે અને વીઆઈપી ભક્તોના સમારંભોમાં જઈને તેઓ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. સરળતા અને સાદગીની જગ્યાએ પ્રપંચ, આડંબર અને વૈભવ આવી જાય છે. અને પોતે જરાય સરળ ન હોય, સાદગી સાથે તેમને
સાત જોજનનું અંતર હોય અને મોહમાયાથી ગ્રસ્ત હોય એવા ‘સેવન સ્ટાર’ બાવાઓ ભક્તજનોને મોહમાયા છોડીને જીવવાનું કહે છે!
ઘણા ખેપાની બાવાઓ ભોળા ભક્તોને બેવકૂફ બનાવતા રહે છે. આવા બાવાઓ, બાબાઓ, બાપુઓ, બાપજીઓ, સ્વામીજીઓ કે મહારાજો કોઈ પર બળાત્કાર કરે, કોઈનું અપહરણ કરાવે, કોઈની જિંદગી બરબાદ કરી નાખે, તેના કારસ્તાનો વિરુદ્ધ બોલનારાઓ કોઈને ખૂન કરવાની ધમકી અપાવે અને ખરેખર કોઈનું ખૂન પણ કરાવી નાખે એવી ઘટનાઓ પણ બનતી રહે છે.
આવા ખેપાની બાવાઓ સામે બળાત્કાર કે ખૂન જેવા અત્યંત ગંભીર ગુનાના પુરાવાઓ મળી જાય અને તેમની ધરપકડ થાય, તેમની સામે કોર્ટમાં કેસ ચાલે અને સર્વોચ્ચ અદાલત સુધી કેસ હારી ગયા પછી તેમણે જેલમાં જવું પડે એ પછી પણ તેમનો ‘ધંધો’ ચાલતો રહે છે.
તેમના ભક્તગણનો ફાયદો મેળવવા માટે રાજકારણીઓ નફ્ફટાઈની તમામ હદો પાર કરીને તેમને અછોવાના કરતા રહે છે. બીજી બાજુ અબુધ ભક્તો તેમને ભગવાન માનીને પૂજતા રહે છે. સંસાર છોડીને પણ આજના ફાઈવસ્ટાર બાવાઓ, બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજાઓની જેમ માયામાં લપેટાયેલા રહે છે.
આવા ખેપાનીઓ ભૌતિક વસ્તુઓની આસક્તિ સાથે આખું જીવન ગાળી નાખે છે. ઘણા બાબાઓ, બાવાઓ, બાપુઓ પર રેપ કે ખૂનના કેસ સાબિત થાય છે અને તેઓ જેલભેગા થાય છે. એટલે વાસ્તવમાં તેમણે સંસાર છોડ્યો નથી હોતો. માત્ર સંસાર છોડ્યો હોવાનો દંભ કર્યો હોય છે.
કોઈ સામાન્ય માણસ કોઈ કારકુન કે શિક્ષક કે મજૂર જો ક્યારેય કોઈને કનડ્યો ન હોય, તેણે મનથી કોઈનું અહિત ન ઇચ્છયું હોય તો તે માણસ આવા નકલી અને ફાઈવસ્ટાર બાવાઓ, બાબાઓ, સ્વામીઓ, મહારાજો કરતાં ઘણા ઉચ્ચ સ્તરનો ગણાય.
સાયબર સિક્યુરિટી:સાયબર ઠગીની નવી રીત: કોલ ફોરવર્ડિંગ દ્વારા વોટ્સએપ હેક
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/new-method-of-cyber-fraud-whatsapp-hack-through-call-forwarding-134754108.html

કેવલ ઉમરેટિયા આ જના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને WhatsApp જેવી લોકપ્રિય એપ્લિકેશનો સાયબર ગઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં, ભોપાલમાં એક મહિલા સાથે ફોરવર્ડિંગનો ઉપયોગ કરીને તેનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું. એટલે કે સાયબર ગઠિયાઓ હવે ફ્રોડ માટે નવો હથકંડો અપનાવી રહ્યા છે. ભોપાલમાં શું થયું?
ભોપાલની એક મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ ડિલિવરી બોય તરીકે આપી અને કહ્યું કે તેનું પાર્સલ પહોંચાડવા માટે એક નંબર ડાયલ કરવો પડશે. કોઈપણ જાતનો લાંબો વિચાર કર્યા વગર તે મહિલા અજાણ્યા વ્યક્તિની વાતમાં આવી ગઇ. મહિલાએ તરત જ ‘*#’થી શરૂ થતો નંબર ડાયલ કર્યો. હકીકતમાં તો આ કોલ ફોરવર્ડિંગ માટેનો કોડ હતો. જેવો મહિલાએ આ નંબર ડાયલ કર્યો કે પછી તેના ફોન પર આવતા બધા કોલ્સ અને મેસેજ સ્કેમર્સને જવા લાગ્યા.
બસ પછી શું. સાયબર ગઠિયાએ મહિલાના નંબર પર વોટ્સએપ રજીસ્ટર કર્યું. મહિલાના કોલ અને મેસેજ તેના નંબર પર ફોરવર્ડ થતા એટલે વોટ્સએપનો OTP (વન ટાઈમ પાસવર્ડ) પણ તેને મળી ગયો. ત્યારબાદ ગઠિયાઓએ મહિલાના પતિ, મિત્રો અને સંબંધીઓને પૈસા માંગતા મેસેજ પણ મોકલ્યા. જ્યારે મહિલાના પતિને શંકા ગઈ ત્યારે તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી. તપાસમાં જાણવા મળ્યું કે આ બધું કોલ ફોરવર્ડિંગને કારણે થયું છે. કોલ ફોરવર્ડિંગથી હેકિંગ કેવી રીતે થાય?
કોલ ફોરવર્ડિંગ એ એક એવી સુવિધા છે જેનો ઉપયોગ સામાન્ય રીતે બીજા નંબર પર કોલ ફોરવર્ડ કરવા માટે થાય છે. પરંતુ સ્કેમર્સ હવે આનો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ તમને ચોક્કસ કોડ ડાયલ કરવાનું કહે છે, જેમ કે ‘*401#’ અથવા કોઈ અન્ય નંબર. આ નંબર ડાયલ કરતાની સાથે જ તમારા ફોન પરના બધા કોલ્સ અને મેસેજ તેમના નંબર પર જશે. પછી તેઓ તમારા વોટ્સએપને રજીસ્ટર કરે છે અને OTP મેળવશે અને તમારું એકાઉન્ટ તેમના કંટ્રોલમાં આવી જશે. વળી આ વાત માત્ર વોટ્સએપ પૂરતી જ મર્યાદિત નથી, તમારાં બેંક, ક્રેડિટ કાર્ડ અને
ડેબિટ કાર્ડ સહિતના તમામ ઓટીપી સાયબર ગઠિયાના નંબર પર ફોરવર્ડ થાય છે. એટલે કે જોખમ ખૂબ મોટું છે. સાયબર ઠગની નવી યુક્તિઓ
અગાઉ, સ્કેમર્સ ફિશિંગ લિંક્સ અથવા માલવેર દ્વારા લોકોને ફસાવતા હતા. પરંતુ હવે કોલ ફોરવર્ડિંગ જેવી પદ્ધતિઓ તેમના માટે સરળ અને અસરકારક સાબિત થઈ રહી છે. તેઓ પોતાને બેંક અધિકારીઓ, ડિલિવરી બોય અથવા સરકારી કર્મચારી તરીકે આળખાવીને વિશ્વાસ જીતે છે. જો તેમની આવી વાતોમાં આવીને તમે એક નાની અમથી પણ ભૂલ કરી તો તમારા જીવનભરની કમાણી જોખમમાં મૂકાઇ શકે છે. આ છેતરપિંડીથી કેવી રીતે બચવું?
આવી છેતરપિંડીથી બચવા માટેનો એક જ રસ્તો છે કે સાવધાન રહો. અજાણ્યા ફોન, અજાણ્યા લોકો અને અજાણ્યા નંબરથી સતર્ક રહો. બાકી ચૂનો લાગતા વાર નહીં લાગે.
અજાણ્યા કોલથી સાવધાન રહો: જો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કરે અને તમને તમારા ફોનમાં કંઈક કરવાનું કહે, જેમ કે ‘*#’થી શરૂ થતો કોડ ડાયલ કરો, અજાણી એપ ઇન્સ્ટોલ કરો કે કોઇ લિંક પર ક્લિક કરો તો તરત જ ના પાડી દો.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ કરો: WhatsApp સેટિંગ્સમાં જાઓ અને 2FA ચાલુ કરો. આનાથી કોઈપણ વ્યક્તિ PIN વગર તમારા એકાઉન્ટમાં લોગ ઇન નહીં કરી શકશે. એટલે કે તમારા WhatsApp ની સુરક્ષા વધી જશે.
શંકાસ્પદ લિંક્સથી દૂર રહો: અજાણ્યા મેસેજ અથવા લિંક્સ પર ક્લિક કરશો નહીં. આવું કરવાથી તમારા ફોનમાં માલવેર આવી શકે છે, જેનાથી ફોન હેક થવાનું જોખમ રહેલું છે.
જો તમારી સાથે આવું કંઇ થાય છે તો ડરવાના બદલે તાત્કાલિક સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરો અથવા support@support.whatsapp.com પર ઇમેલ કરો. યાદ રાખો સાયબર ફ્રોડથી બચવા માટેનો શ્રેષ્ઠ રસ્તો જાગૃતિ છે.
આપણી થોડી સાવધાની મોટા નુકસાનને અટકાવી શકે છે. WhatsApp આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે. ડિજિટલ દુનિયામાં સાવધ રહો, સમજદારીપૂર્વક કાર્ય કરો અને સાયબર ગુનેગારોને દૂર રાખો. આ ડિજિટલ યુગમાં જાગૃતિ અને સાવધાની એ તમારી સૌથી મજબૂત ઢાલ છે.
ઈમિગ્રેશન:ઉચ્ચ અભ્યાસ માટે કયો દેશ સૌથી શ્રેષ્ઠ છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/which-country-is-the-best-for-higher-studies-134754105.html

રમેશ રાવલ સવાલ : મને 2016માં અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા પછી હું ત્રણ વાર અમેરિકામાં બે-ત્રણ મહિના રહીને ભારત પાછી આવેલી. મેં મારા વિઝાના ઈન્ટરવ્યૂમાં મારા ફેમિલીની વિગતો આપી નહોતી. ત્યાર બાદ મને સ્ટુડન્ટ વિઝા મળવાથી સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં પાંચ વર્ષ રહ્યા પછી તે વિઝા પૂરો થવાથી ભારત પાછી આવી છું. મારો વિઝિટર વિઝા 2026 સુધી વેલિડ છે. તો હું આ વિઝિટર વિઝા દ્વારા અમેરિકા જઉં તો ઈમિગ્રેશનની પ્રોસેસમાં કોઈ ઈશ્યૂ થાય?- ભૂમિ પંચાલ, અમદાવાદ
જવાબ : હા, ત્યાંના એરપોર્ટ ઉપર પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે તમે અમેરિકામાં પાંચ વર્ષ રહ્યા હોવાથી હવે ફરીથી કયા કારણ માટે જાઓ છો તેવું પૂછી શકે અને હવે ઈમિગ્રેશનમાં નવા ફેરફારો થવાથી કશું કહી શકાય નહીં. 2026માં વિઝિટર વિઝા પૂરા થતા દરમ્યાન ફરીથી વિઝા માટે પ્રયત્ન કરી શકો છો.
સવાલ : મારી પુત્રી પુણેમાં માસ્ટર ઓફ સાયન્સ ઈન કોમ્પ્યુટર સાયન્સમાં સ્ટડી કરે છે. તો તેને વધુ સ્ટડી કરવા માટે કયો કન્ટ્રી બેસ્ટ છે અને જોબ માટે કેટલા
ચાન્સીસ છે?- રફીક રાજવાણી, પુણે (મહારાષ્ટ્ર)
જવાબ : તમારી પુત્રીને માસ્ટર્સ ડિગ્રી મળે તે પછી તે પી.એચ.ડી. માટે કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં એપ્લાય કરી શકે, પરંતુ જોબ મળશે કે નહીં તે કહી શકાય નહીં. મારા અભિપ્રાય પ્રમાણે દુનિયામાં બેસ્ટ કન્ટ્રી આપણું ભારત જ છે. જે કન્ટ્રીમાં પાર્ટ ટાઈમ જોબ મળે તે કન્ટ્રી પસંદ કરી શકાય. જેવા કે ડેન્માર્ક, સ્વીડન, નેધરલેન્ડ વગેરે.
સવાલ : અમારી F-4ની કેટેગરીની ફાઈલનો ડોક્યુમેન્ટ્રિલી ક્વોલિફાઈડ (D.Q.)નો લેટર ફેબ્રુઆરી 2025માં આવી ગયો છો, તો વિઝા કોલ ક્યારે આ‌વી શકે?- ધૈર્ય પટેલ, અમદાવાદ
જવાબ : આ વર્ષના અંત સુધીમાં અથવા નવા નિયમોમાં ફેરફાર થાય તો 2026માં ઈન્ટરવ્યૂ આવી શકે. તેમ છતા વેબસાઈટ ઉપર તપાસ કરો.
સવાલ : મારી F-3ની ફાઈલ D.Q. date 7-2-2025ની છે, તો ઈન્ટરવ્યૂ માટે કેટલો સમય લાગશે?- દિવ્યાંગ મોરી, વડોદરા
જવાબ : અગાઉ જણાવ્યા પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં અથવા બ્લડ રીલેટિવ્સની કેટેગરીઝમાં નિયમો બદલાય તો 2026માં કોલ લેટર આવી શકે. પ્રેસિડન્ટ ટ્રમ્પ નવા નવા એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર્સ કરે છે. તેથી ચોક્કસપણે કશું કહી શકાય નહીં. ગ્રીનકાર્ડ મળે તેથી અમેરિકામાં કાયમ રહેવું જરૂરી છે.
સવાલ : મારું એકેડેમિક ક્વોલિફિકેશન એમબીએ, એમફિલ અને પીએચડી છે. હું હાલમાં ગવર્નમેન્ટ કોલેજમાં કોમર્સ વિષયના એસોશિયેટ પ્રોફેસર તરીકે કામ કરું છું. મારો પુત્ર બોસ્ટનમાં H-1 સ્ટેટસ ઉપર રહે છે. મેં પાંચ પુસ્તકો નેશનલ એન્ડ ઈન્ટરનેશનલ જનરલમાં પબ્લિકેશન્સ કરેલાં છે. મારે B કેટેગરીમાં તેમજ ગ્રીનકાર્ડ માટે અમેરિકામાં એપ્લાય કરવું છે, તો તે કેવી રીતે થાય?
- જ્યોતીન્દ્ર જાની, અમદાવાદ
જવાબ : B કેટેગરી એટલે અમેરિકાના B-1 બિઝનેસ વિઝા માટે બિઝનેસમેન તરીકે અમેરિકામાં બિઝનેસ માટે કે બિઝનેસ મીટિંગ વગેરે માટે છે, જેનો B-1, B-2 વિઝામાં સમાવેશ થાય. જો તમે જોબ કરતા હો તો તમને B-1 વિઝા મળી શકે નહીં. તમને ગ્રીનકાર્ડ સીધેસીધું મળી શકે નહીં. પરંતુ તમારો પુત્ર સિટિઝન થાય પછી તે તમારા માટે ગ્રીનકાર્ડ સારુ એપ્લાય કરી શકે. તેમ છતાં તમારું ક્વોલિફિકેશન જોતા પ્રોફેસર તરીકે EB-1 કેટેગરીમાં ગ્રીનકાર્ડ મેળવવા માટે તમે પિટિશન ફાઈલ કરી શકો છો.
સવાલ : મેં B.E. in information technologyમાં પાસ કર્યું છે. મારે અમેરિકા સ્ટુડન્ટ વિઝા ઉપર જવું છે, પરંતુ તેની પ્રોસેસ કેવી રીતે થાય તેની મને ખબર નથી. તો હાલમાં અમેરિકાના સ્ટુડન્ટ વિઝા ઉપર જવું યોગ્ય છે? મને ત્યાં પાર્ટ ટાઈમ જોબ મળે?- રચના જોષી, અમદાવાદ
જવાબ : અમેરિકાના F-1 સ્ટુડન્ટ વિઝા માટે અમેરિકાની ટોપ કોલેજ કે યુનિવર્સિટીમાં સૌપ્રથમ એડમિશન લેવું પડે. ત્યાર પછી જ એપ્લાય કરી શકાય. તમે સ્ટુડન્ટ તરીકે કેમ્પસ સિવાય બીજી કોઈ બહારની પ્રોઈવેટ જોબ કરી શકો નહીં. અમેરિકાની હાલની પરિસ્થિતિ જોતા ઘણા સ્ટુડન્ટ્સની ઈમિગ્રેશન તપાસ થાય છે. તેથી ત્યાંના હાલના સંજોગો મુજબ બીજા કોઈ કન્ટ્રીમાં એપ્લાય કરી શકાય.
સવાલ : મારે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવું છે. તો શું મારી પત્ની સાથે ડિપેન્ડન્ટ વિઝા માટે એપ્લાય કરી શકાય?- સુનીતભાઈ, અમદાવાદ
જવાબ : હા, જો તમારા બંનેનું ક્વોલિફિકેશન્સ વગેરે બહુ જ સારું હોય તો તો એપ્લાય કરી શકાય. તેથી અમેરિકા સિવાય બીજા કન્ટ્રીઝમાં એપ્લાય થઈ શકે.
સવાલ : મને અમેરિકાના વિઝિટર વિઝા માટે ડિટેઈલ્સ આપશો?
- સૌરભ રાવલ, અમદાવાદ
જવાબ : અમેરિકા વિઝિટર વિઝા B-1, B-2 માટે DS-160 ફોર્મ તૈયાર કરીને તેની 160 ડોલર ફી ભર્યા પછી ઈન્ટરવ્યૂની ડેઈટ લેવી પડે. પછી ઈન્ટરવ્યૂમાં પૂછાતા સવાલ-જવાબ તૈયાર કરીને ફોર્મ સાચી માહિતી સાથે જ ફાઈલ કરવું જોઈએ. જો તે પહેલાં બીજા કોઈ કન્ટ્રીના વિઝા મળ્યા હોય તો સરળતા રહે.
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)
દેશી ઓઠાં:પારખું
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/discerning-134754107.html

રા જગરાના છોડ જેવી રૂડી નગરી. રાજા ગુણવાન છે, બુદ્ધિમાન છે, રૈયત માટે રાજમહેલના દરવાજા ઉઘાડા રાખે છે. રોજ સવારે સભા ભરાય છે. રાજ-કારભારની ચર્ચા થાય, પ્રજાજનોનાં સુખ-દુ:ખની વાતો થાય. દેશ-પરદેશથી કવિઓ આવે, કલાકારો આવે, વિધવિધ વિદ્યાના જાણકારો આવે… સૌનાં અદકેરાં સન્માન થાય છે.
એક દી એક અનોખી ઘટના બને છે. પોષ મહિનાની ટાઢીબોળ સવાર છે. રાજાએ મહેલના ચોગાનમાં સભા ભરી છે. સૂરજનારાયણની મીઠી હૂંફમાં આખી સભા મોજમાં છે. એવા ટાણે દૂર દેશાવરનો એક ઝવેરી આવે છે. રાજા આવકાર આપે છે. ઝવેરી પોતાના ડગલાના ખિસ્સામાંથી બે હીરા કાઢે છે. ‘મહારાજ! હું એક પારખું કરાવવા આવ્યો છું. મારી પાસે આ બે હીરા છે. આ બેય હીરા રંગ, રૂપ, ઘાટ અને વજનમાં એક સરખા છે. પણ, આમાં એક હીરો સાચો છે ને એક હીરો ખોટો છે. એકનું મૂલ લાખોમાં છે, એકનું મૂલ કાણી કોડી છે. સાચા હીરાને ઓળખી બતાવો તો હીરો મૂકીને જતો રહું. નહિતર હીરાના મૂલ જેટલું ધન લઉં. જો આ હોડ માટે આપની હા હોય તો બોલાવો આપની નગરીના બધા ઝવેરીને. ને ના હોય તો હું રજા લઉં!’
રાજાએ હા પાડી. નગરના દસેક ઝવેરીને બોલાવ્યા. દરેક ઝવેરી બેય હીરાને હાથમાં લઈને આમથી તેમ ફેરવે છે. બધી રીતે સરખા હીરાનો ભેદ નથી સમજાતો. ઘણી મથામણ કરી પણ કયો હીરો અસલી છે ને કયો નકલી છે એની સૂઝ નથી પડતી. નગરીના ઝવેરીએ નીચા મોઢે હાર કબૂલી. રાજા નિરાશ થયો. આખી સભા સૂનમૂન થઈ ગઈ.
એમાં છેલ્લેથી એક અવાજ આવ્યો: ‘મહારાજ! મને એક તક આપો! હું પારખું કરી દઉં.’ અને એ માણસ આગળ આવ્યો. એ અંધ હતો. રાજાને સંશય થયો કે હીરા-માણેકના જાણતલ એવા ઝવેરીની મતિ ન ચાલી ને આ અંધ માણસ શું કરશે! અંધ માણસે બેય હીરા હાથમાં લીધા. બીજી જ ક્ષણે એણે સાચો હીરો ઓળખી બતાવ્યો. ‘મહારાજ! આ હીરો સાચો છે ને આ હીરો ખોટો છે.’
પરદેશી ઝવેરીએ પણ હા પાડી કે આ સૂરદાસની વાત સાચી છે. રાજાને ઘણું અચરજ થયું: ‘ભાઈ! તેં કેવી રીતે પારખું કર્યું?’ ‘મહારાજ! બેય હીરા તડકામાં છે. એમાં સાચો હીરો ઠંડો છે, ને ખોટો હીરો ઊનો છે, જોઈ જુઓ!’ રાજાએ હીરા હાથમાં લઈને જોયું. સાચો હીરો શીતળ છે. ‘મહારાજ! માણસોમાંય એવું જ છે. ખોટા તપે ને સાચા શાંત રહે.’
નીલે ગગન કે તલે:દુવારકાનો ધીસ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/dwarkas-dhees-134754066.html

હા લ ‘ચર્ચામાં છે’ દ્વારકાની ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ અને સ્વામિનારાણના નીલકંઠ ચરણ સ્વામીની મૌખિક રસ્સાકસ્સી. અને બીજા સમાચાર છે કે બેટદ્વારકાને જોડતો સુદામા પુલ બંધાયો છે. અને બસ, યૂં હી, બેવજહ ગગનવાલાના હૃદયકમળમાં ગુંજન કરે છે સ્મૃતિઓ વતનની.
આહ, દ્વારકા! મામા કંસનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણે મથુરાથી જાંબુદ્વીપના પશ્ચિમતમ કિનારે ઘૂઘવતા સમુદ્રને કહ્યું મને 12 જોજન જમીન ખપે એક નવી નગરી વસાવવા માટે, અને રત્નાકર બેઉ કર જોડી ખસ્યો પાછલા પગે ને જોતજોતામાં યદુનંદને સુવર્ણનગરી વસાવી સોનાની દ્વારકા! તે સમયના જાંબુદ્વીપનું એક દ્વાર બની તે નગરી દ્વારકા, અથવા દ્વારિકા અથવા દ્વારામતી.
કાળક્રમે યાદવો સત્તાના મદમાં ઘેલા થયા ને સામસામે લડી મર્યા. અને પ્રભુના પદાંગુષ્ઠને કોઈ શિકારની આંખ માની એક પારધીએ બાણ માર્યું ને શ્રીકૃષ્ણ વિચર્યા સ્વધામ. તેના શોકમાં સમુદ્ર નગરી ઉપર ફરી વળ્યો ને સોનાની દ્વારકા જળમાં વિલીન થઈ ગઈ. પણ ભક્તોએ તે જ કિનારે નગરી વસાવી, તેમાં તે દ્વારકાના અધિપતિ યાને દ્વારકાધીશનું મંદિર બન્યું. હજી પણ શ્રદ્ધાળુઓ કહે છે કે અવારનવાર સમુદ્રમાં ઓટ આવે છે ને સુવર્ણ દ્વારકાના મંદિરનો સુવર્ણકળશ દેખા દે છે, જો તમારામાં શ્રદ્ધા હોય તો!
દ્વારકા ઉપર બાવન યાદવોનું શાસન હતું તે નિમિત્તે મંદિરના ધ્વજદંડ ઉપર બાવન ગજની ધજા ચડાવાય છે, જે દિવસના પાંચ વાર ચડે છે.
એ મંદિરમાં દ્વારકાધીશની પ્રતિમાનાં પૂજન ગૂગળી પાંચસો પાંચ નામે ખ્યાત બ્રાહ્મણોની એક જ્ઞાતિના અમુક પરિવારો કરે છે, અને તે ગૂગળી પાંચસો પાંચ જ્ઞાતિના એક અકિંચન પરિવારમાં હાથની મુઠ્ઠીઓ વાળીને જન્મ થયો ગગનવાલાનો, જે સમયાંતરે નીલે ગગન કે તલે શીર્ષકથી કોલમગીર બન્યો.
યસ સર, અમે આ કટારમાં ને બીજે બધે પોરસથી ગરબી લેતાં કહીએ છીએ કે અમારી જન્મની જ્ઞાતિ છે ગૂગળી 505, જેવો ગરવ છે અમને માનવ હોવાનો, વિશ્વ નાગરિક હોવાનો, ભારતીય હોવાનો, ગુજરાતી, કાઠિયાવાડી હોવાનો તેવો જ ગરવ છે અમને ગૂગળી હોવાનો.
અમારા પુરખાઓ રોજીરોટીની શોધમાં ખંભાળિયા આવી વસ્યા અને ત્યાં જ ઠાકર વલ્લભદાસ માસ્તર અને વિજિયાબેનના ખોરડે અમારો જન્મ થયો. મારા કાકા ચિનુભાઈ પણ માસ્તર હતા. આ તરફ દ્વારકા મુકામે મારા પિતાના પિતાના પિતરાઈઓના આંબામાં હતા મારા કાકા ઠાકર રમણલાલ ડાક્ટર, અને બીજી ડાળીઓએ હતા દવે નારણદાસ, જે આધેડવયે અચાનક અંધ થઈ ગયેલા, નારણદાસ કાકાએ આઝાદીની લડતમાં કશોક ભાગ લીધેલો તેથી એમને અમુક પેન્શન મળતું હતું.
આજે સ્વામિનારાયણના સાધુ સામે કે છે તેમ ગૂગળીઓ બડી સક્રિય પ્રજા છે. તે સમયે પણ કશાક કારણે કે કાયદાના વિરોધમાં સંખ્યાબંધ ગૂગળીઓએ મંદિરના દરવાજે આડા સૂઈ સરકારના કોઈ ‘લોખંડી’ પગલાં સામે સત્યાગ્રહ કરેલો.
એ સમયે જ્ઞાતિભોજનોમાં ચૂરમાના લાડુની બોલબાલા હતી. કેવળ પીતાંબર અને સુદામા પહેરે તેવી કસવાળી બંડી પહેરીને જ તેમાં પ્રવેશ મળતો. સીવેલાં વસ્ત્રો, ચામડાના પટાવાળાં ઘડિયાળ કે કમરપટ્ટો વર્જ્ય હતાં. એવી પાબંદીઓ મહિલાઓને પણ હતી. ભોજન પીરસનારા હાથમાં કમંડળ લઈને પીરસવા આવતા, સંસ્કૃત શ્લોકો બોલવાની હરીફાઈઓ થતી. ઘી નીતરતો કંસાર કે ઘીના લાડવા વધુમાં વધુ ખાવાની વિનોદી હુંસાતુંસી થતી. જમીને યજમાનો બ્રાહ્મણોને પાઈપૈસો કે આનોઆનો દક્ષિણા આપતા! હવે તો અમેરિકન ભરવાડ પહેરે તેવાં પાટલૂન ને પ્રાણીઓનાં મોઢાં છાપેલાં ટીશર્ટ પહેરીને ગૂગળીઓ બફ્ફે ડિનર લે છે બ્રહ્મપુરીમાં, અને ચરબી ન ચડી જાય તેમ સલાડ કે ફ્રૂટ વધુ જમે છે.
નગરમાં ઠેરઠેર આધુનિક દુકાનો, હોટેલો, રેસ્ટોરાં, ગાડીઓ છે, ઠેરઠેર ‘ધર્મશાળાઓ’ છે પણ તે હોટેલો જેવી જ દૈનિક ભાડું ઉઘરાવે છે. દરિયા કિનારે દુબઈ જેવી ચકચકતી હોટેલો બની રહી છે ધમાલધમાલધમાલ સાથે ધાર્મિક યાત્રાના પવિત્ર ધામ ડિઝનીલેન્ડ જેવું ટૂરિસ્ટ એટ્રેક્શન બની રહ્યું છે.
તે સમયે દ્વારકામાં વીજળી કે રેલવે નહોતી. પાસેના કોઈ સ્ટેશન સુધી ટ્રેન આવતી ને ત્યાંથી બળદગાડામાં દ્વારકા અવાતું. આવો દુર્ઘર્ષ પ્રવાસ કર્યાની સાબિતી તરીકે આગંતુક ભક્તો હાથ ઉપર દ્વારકાની નિશાની ત્રોફાવી જતા. ગૂગળીઓ ‘બહારનું’ ખાતા નહીં, ચા પીતા નહીં,
દ્વારકાની પાસે જ એક બેટદ્વારકા ટાપુ ઉપર હોડી મારફત જવાતું. તે ટૂંકો પ્રવાસ પણ કોઈવાર જોખમી બની જતો અને હવે આટલાં વર્ષે ત્યાં સુદામા પુલ બંધાયો છે. સંભવત: હોડી મારફત જવાની મનાઈ થઈ છે. હવે તો બસ, પ્રાઇવેટ ગાડીઓ, વોલ્વો ટૂરિસ્ટ બસો હકડેઠઠ ઠલવાય છે દ્વારામતીના તીનબત્તી ચોક ઉપર (સ્માઇલી!). પાસે જ મીઠાપુર ગામ વસેલું છે, અને હવાની લહેરખીમાં અવારનવાર તમારા નાકને જાણ કરાય છે કે ત્યાં બડા બડા ઉદ્યોગો વિકસી રહ્યા છે, ઇન્ક્લુડિંગ મત્સ્યોદ્યોગ!
અને હાલ જે ગરમાગરમ ‘ચર્ચામાં છે’ દ્વારકાની ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ અને સ્વામિનારાણના નીલકંઠ ચરણ સ્વામીની મૌખિક રસ્સાકસ્સી તેનો ઉકેલ જે આવે તે. બસ, છાપામાં દ્વારકા ને ગૂગળીનું નામ જોતાં રુંવાડાંમાં સહેજ જુવાની આવી, ને હલો, આમ તમને કીધું. દ્વારિકાઆઆધીઈઈશ કી જૈ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/where-is-kailash-left-now-even-for-the-refuge-of-tears-the-world-is-demanding-an-explanation-for-the-reasons-for-crying-134754104.html

ડિ સ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના આર. એમ. ઓ.એ મને કહ્યું, ‘તમારે જેલમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવવા માટે જવાનું નથી.’ મારે સેન્ટ્રલ જેલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવવા માટે જવાનું હતું. આર. એમ. ઓ. એક નાગર હતા અને એમની ‘સેન્સ ઓફ હ્યુમર’ આગવી હતી, માટે એમણે આવી રીતે વાતની શરૂઆત કરી હતી.
‘હું ઇન્ટર્નશિપ કરતો હતો, મેં પણ રમૂજનો જવાબ રમૂજથી આપ્યો.’ એમને પૂછ્યું, ‘મને કેટલા મહિનાની જેલ પડી છે?’ ‘મહિનાની નહીં, માત્ર પંદર દિવસ માટે ડેપ્યૂટેશન ઉપર જવાનું છે. જેલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ફેમિલીને લઇને ફરવા ગયા છે, એમની જગ્યાએ તમને મોકલવામાં આવે છે.’
બીજા દિવસે હું જનરલ હોસ્પિટલમાં જવાને બદલે જેલના દવાખાનામાં જવા રવાના થયો. જેલમાં મારે શું કરવાનું છે તે વિશે મને કશી જ ખબર ન હતી. સાવ નાનો હતો ત્યારે જૂનાગઢની સેન્ટ્રલ જેલની મુલાકાતે મારા પિતાની સાથે ગયો હતો. અપરાધ અને સજા જેવા શબ્દો ત્યારે મારા બાળ-મન માટે અજાણ્યા હતા. ત્યાં બાગકામ, સુથારીકામ અને વણાટકામ કરતા કેદીઓ મને ફક્ત કારીગરો જ લાગ્યા હતા. એમની લાચારી, પરિવારજનોથી દૂર રહેવાનું દુ:ખ, જેલમાં મળતી અપૂરતી સગવડો આ બધાં વિશે મને ક્યાંથી ખબર હોય?
પણ હવે હું બાવીસ વર્ષનો હતો, બંગાળી નવલકથાકાર ચારુચંદ્ર ચક્રવર્તીનું પુસ્તક ‘શ્વેત ધરતીષ શ્યામ પડછાયા’ તે સમયે નવુંસવું જ વાંચ્યું હતું. બંગાળી ભાષામાં નિરૂપાયેલી સંવેદનાઓ વાંચીને મુગ્ધ થઇ ગયો હતો. એમની કલમના જાદુમાંથી મહિનાઓ સુધી બહાર આવી શક્યો ન હતો.
હવે મારે મારી રીતે જેલમાં સજા કાપતા કેદીઓને જોવાના હતા, તપાસવાના હતા અને એમને સારવાર આપવાની હતી.
દવાખાનાના નામે ઠીક-ઠીક મોટો કહેવાય એવો એક ઓરડો હતો. મારા બેસવા માટે ચાર પાયાવાળી, બે હાથાવાળી લાકડાંની એક ખુરશી હતી. સ્ટેથોસ્કોપ, કેસ પેપર્સ, પેન વગેરે મૂકવા માટે લાકડાંનું મોટું લંબચોરસ ટેબલ હતું. દર્દી (કેદી)ને બેસવા માટે એક સ્ટૂલ હતું. ઊંચી છત પર લટકાવેલો જૂના જમાનાનો ત્રિ-પાંખિયો પંખો હતો, જે હવા ઓછી અને અવાજ વધુ ફેંકતો હતો.
ઓરડામાં આવવા-જવા માટે એક જ દ્વાર હતું, ત્યાં એક યુવાનને ઊભો રાખી દેવામાં આવ્યો હતો. પહેલા દિવસે એક પોલીસમેન મને ઓરડા સુધી મૂકવા આવ્યો અને જતા પહેલાં કહેતો ગયો, ‘આ તમારું દવાખાનું અને આ તમારો પ્યૂન-કમ-આસિસ્ટન્ટ-કમ કમ્પાઉન્ડર રાજુ. ત્રણ વર્ષથી એ જેલમાં કામ કરતો રહ્યો છે. તમે એનું કામ જોશો એ પછી કહેશો કે રાજુ અડધો ડોક્ટર છે.’
મેં કામ શરૂ કર્યું. પ્રથમ દિવસે જ હું રાજુનું કામ જોઇને ખુશ થઇ ગયો. એ વિવેકી હતો. સમય પ્રમાણે ‘ગુડ મોર્નિંગ’ કે ‘ગુડ આફ્ટરનૂન’ કહીને મારું અભિવાદન એ કરતો હતો. એનો માયાળુ સ્વભાવ અને વિનમ્ર વાણી-વર્તન જોઇને જેલના ખૂંખાર કેદીઓ પણ એનું કહેવું માનતા હતા. રાજુ તમામ દર્દી-કેદીઓને લોબીમાં એક લાઇનમાં ઊભા રાખીને એક પછી એક નામ મોટેથી બોલતો હતો, એ જેનું નામ ઉચ્ચારે એ જ દર્દી ઓરડામાં દાખલ થાય.
હું દર્દીની સાથે વાત કરતો હોઉં ત્યારે રાજુ એનું પ્યૂન તરીકેનું સ્થાન છોડીને મારા ટેબલ પાસે આવી જાય. હું પેશન્ટનું બ્લડ પ્રેશર માપવા જઉં ત્યારે રાજુ નમ્રપણે મને પૂછે, ‘સર, હું બી. પી. માપી લઉં? મને આવડે છે.’
હું કહેવા ખાતર ‘હા’ કહું, પછી ઝીણી નજરે એને બી. પી. માપતા જોયા કરું. એ જ રીતે દર્દીના બાવડા પર ‘કફ’ બાંધે, દર્દીનો હાથ એક ચોક્કસ ઊંચાઇ પર ગોઠવે, જે રીતે ‘સ્ક્રૂ’ બંધ કરીને પટ્ટામાં હવા ભરે, જે રીતે હાથ અને બાવડાની વચ્ચેના ભાગમાં સ્ટેથોસ્કોપનો છેડો મૂકે, એ બધું જોઇને હું સમજી જઉં કે રાજુ કોઇ સારા ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલો કુશ‌ળ આસિસ્ટન્ટ છે. ધીમે ધીમે મને વધારે સમજાતું ગયું. રાજુને ઇન્જેક્શન ભરતા અને દર્દીના મસલમાં સોય નાખીને આપતા પણ આવડતું હતું. ઇન્જેક્શન આપતા કદાચ કોઇ પણ શીખી જાય, પરંતુ એની પહેલાં ચામડી પર સ્પિરિટવાળું રૂ કેવી રીતે ફેરવવું અને સિરિન્જમાંથી હવાના પરપોટા કેવી રીતે દૂર કરવા એ આવડત બધા પાસે નથી હોતી. રાજુમાં એ જાણકારી હતી. મને સમજાઇ ગયું કે રાજુ એક સારો કમ્પાઉન્ડર પણ છે.
જેલના કેદીઓ આપસમાં મારામારી પણ કરી લે. રાજુ ઇજાગ્રસ્ત કેદીને સુંદર રીતે પાટાપીંડી કરી આપતો. મને સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું થયું જ્યારે મને જાણવા મળ્યું કે રાજુને લગભગ બધી જ દવાઓ અને ઇન્જેક્શનોનાં અંગ્રેજી નામો વાંચતા અને બોલતા આવડે છે. હજુ તો હું કેદીને સમજાવતો હોઉં કે તમને શ્વસનતંત્રનો ચેપ થયો છે કે ગળામાં સોજો છે. એટલી વારમાં તો રાજુએ પ્લાસ્ટિકના ડબ્બામાંથી ટેટ્રાસાયક્લિનની કેપ્સ્યૂલ્સ કાઢીને પાંચ દિવસ ચાલે એટલો ડોઝ ગણીને કાગળના પડીકામાં બાંધીને તૈયાર કરી દીધું હોય. ઉપરથી મને પૂછેઃ ‘કફ સિરપ આપવું છે કે ચાલશે?’
સાતેક દિવસ વીત્યા પછી મારાથી પુછાઇ ગયું, ‘રાજુ, તું ખરેખર હોશિયાર છો. જો અપરાધી બનીને જેલમાં ન આવ્યો હોત તો તું ભણીગણીને ડોક્ટર થઇ શક્યો હોત!’
સાંભળીને રાજુની આંખમાંથી આંસુ સરી પડ્યાં, ‘સાહેબ, વિધાતાએ મારી સાથે બહુ ક્રૂર મજાક કરી દીધી. જ્યારે હું કોલેજના બીજા વર્ષની એક્ઝામ આપીને મારા ગામડે ગયો ત્યારે એક અણધારી ઘટના મારા જીવનમાં બની ગઈ. બે મહિનાનું વેકેશન હતું. એક દિવસ...’
‘હું થડકતી છાતી સાથે રાજુની દાસ્તાન સાંભળી રહ્યો હતો. એ ભૂતકાળની દૃશ્યાવલિમાં ખોવાઈ ગયો હતો…’ ‘એક દિવસ ગામનો ઉતાર લખુડો મારા ઘરમાં ઘૂસી આવ્યો. મારી જુવાન બહેન ફળિયું વાળતી હતી. લખુડાએ એને ઝાલી લીધી. મારી બહેને ચીસાચીસ કરી મૂકી. હું ધસી ગયો. ગમાણ પાસે ધારિયું પડ્યું હતું. તે લઇને હું લખુડાને મારવા દોડ્યો. લખુડો ચપળતાપૂર્વક નાસી ગયો. બહેને રડતાં રડતાં કહ્યું કે લખુડો છ મહિનાથી એની પાછળ પડ્યો છે. જે દિવસે એને એકલી જોશે ત્યારે…’
‘જો એ દિવસે લખુડો મારા હાથે વેતરાઇ ગયો હોત તો કદાચ હું નિર્દોષ છૂટી ગયો હોત! એક તો એણે ગૃહપ્રવેશ કર્યો હતો અને બીજું બહેનને બચાવવા માટે કોઇ પણ ભાઇ આવું જ કરે. આવેશમાં થયેલું ખૂન હળવો ગુનો બને છે. પણ હું સમજી વિચારીને લાગ શોધતો રહ્યો. ત્રીજા દિવસે ભરબપોરે મેં લખુડાને એના ખેતરમાં ઢાળી દીધો. અત્યારે જનમટીપ કાપી રહ્યો છું.’ મને બધું સમજાઈ ગયું પણ એક વાત હજુ સમજવાની બાકી હતી. મેં પૂછી લીધું, ‘રાજુ, એ બધું તો સાચું પણ તને દવા, ગોળી, ઇન્જેક્શન, પાટાપીંડી આ બધું કેવી રીતે આવડી ગયું? તું આર્ટ્સ કોલેજમાં ભણતો હતો કે સાયન્સ કોલેજમાં?’
રાજુએ જે જવાબ આપ્યો તે સાંભળીને મારા શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. ‘સર, આઇ વોઝ અ મેડિકલ સ્ટુડન્ટ. હું ભણવામાં ખૂબ તેજસ્વી હતો. નેશનલ મેરિટ સ્કોલરશિપ સાથે મને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. જો લખુડાવાળી ઘટના ન બની હોત તો કદાચ આજે તમારી જગ્યાએ હું ડોક્ટર બનીને આવી જ કોઇ ખુરશી પર બેસીને દર્દીઓની સારવાર કરતો હોત! જે થયું તે થયું. મને અફસોસ નથી. મારી બહેનની લાજ બચાવવા માટે હું એક નહીં પણ દસ ખૂન કરવા તૈયાર થઇ જાઉં.’
આટલું બોલીને રાજુ પાછો બારણા પાસે જઇને ઊભો રહી ગયો અને એની ફરજ બજાવવા લાગ્યો.
- શીર્ષકપંક્તિ : કૈલાસ પંડિત
સહજ સંવાદ:તમારા પાડોશમાં જ કટોકટી-વિરોધી જેલવાસી હતા!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/there-were-anti-crisis-prisoners-right-in-your-neighborhood-134754062.html

હા, એ ઘટનાની અર્ધ શતાબ્દી મનાવવાની જાહેરાત થઈ છે. 26 જૂન, 1975ના રોજ આંતરિક કટોકટી અને સેન્સરશિપ લાદવામાં આવી, તેની સામે સત્યાગ્રહો થયા. એવા એક સત્યાગ્રહની આગેવાની સરદાર-પુત્રી મણિબહેને લીધી હતી. એક નાગરિક સ્વાતંત્ર્ય પરિષદમાં બીમાર હાલતમાં ન્યાયવિદ્દ એમ.સી. ચાગલા અમદાવાદમા લોકોને સંબોધવા આવ્યા હતા. ખ્યાત મરાઠી વિદુષી દુર્ગા તાઈ ભાગવત પ્રબુદ્ધજનો સમક્ષ રણટંકાર કરવા અમદાવાદ અને સુરતમાં પહોંચ્યાં હતાં.
જ્યોર્જ ફર્નાન્ડીઝને ગુજરાતમાં ડાયનેમાઈટ આરોપ સાથે પકડવામાં આવ્યા ત્યારે તેમની સાથે કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવની પણ ધરપકડ થઈ હતી. પછીથી રાજ્યપાલ બનેલા પ્રભુદાસ પટવારીને આરોપી બનાવવામાં આવ્યા. રસપ્રદ બાબત તો એ રહી કે આખા દેશમાં કટોકટી, સેન્સરશિપ, મિસા કાનૂન હેઠળ અટકાયતો અને 144મી કલમનો અમલ 26 જૂનથી થઈ શક્યો નહીં, કારણ કે અહીંની જનતા મોરચા સરકારે કેન્દ્રને જણાવી દીધું કે અમે વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર કોઈ પણ પ્રકારના બંધનની વિરુદ્ધમાં છીએ. આવું તામિલનાડુની ડી.એમ.કે સરકારે પણ કર્યું.
એટલે છેક 12 માર્ચ, 1976 સુધી બ્રિટિશ અખબાર ‘ગાર્ડિયન’ના સંવાદદાતા લીફ્શુલ્તઝે અહીં અમદાવાદની ગલીઓ અને રસ્તાઓ પર રીક્ષામાં ફરીને અંદાજ મેળવ્યા પછી તેના અખબારમાં મથાળું બાંધ્યું: ‘ગુજરાત એકમાત્ર સ્વાતંત્ર્ય દ્વીપ છે…’ જોકે, એ દિવસો વધુ સમય સુધી ના રહ્યા,
જનતા મોરચાના બે ધારાસભ્યોએ દગો દીધો અને બહુમતી રહી નહીં એટલે 13 માર્ચથી સીધું રાષ્ટ્રપતિ શાસન અને સંખ્યાબંધ ધરપકડો, અખબારોને સેન્સર માટેનો કડક આદેશ, ડી.આઈ.આર.ના મુકદ્દમાઓ... આ બધું એકસાથે શરૂ થઈ ગયું.
જે પકડાયા તે કોઈ ચોર-ડાકુ નહોતા, પોકેટમારી કરી નહોતી, ક્રિમિનલ નહોતા. માત્ર તેમનો વિરોધ કટોકટી જે રીતે લાદવામાં આવી અને અખબારોનું ગળું રૂંધવામાં આવ્યું તેની સામેનો હતો, સરકારે તેને પોલીસ અને સેનાને ચૂંટાયેલી સરકાર સામે પ્રજાને ઉશ્કેરવાનો પ્રયાસ ગણ્યો.
જાહેરમાં વડાપ્રધાને આવો આરોપ મૂક્યો હતો. પરિણામે દેશવ્યાપી અટકાયતોમાં જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, એલ. કે. અડવાણી, મોરારજીભાઇ દેસાઇ, ચંદ્રશેખર (ખુદ તેમના જ પક્ષના હતા) વગેરે જુદી-જુદી જેલોમાં બે વર્ષ રહ્યા.
ગુજરાતમાં તેનો અમલ 13 માર્ચ, 1976થી થયો તેમાં સંસ્થા કોંગ્રેસ, ભારતીય નસંઘ, સમાજવાદી, ક્રાંતિદળ, સર્વોદય, લોકસ્વરાજ, વિદ્યાર્થી પરિષદ, સી.પી.એમ., ભારતીય મજદૂર સંઘ, જમાતે ઉલેમા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા-કાર્યકર્તા હતા. કદાચ, એક આનંદમાર્ગી પણ હતા, કેમ કે પ્રતિબંધિત સંસ્થાઓમાં તેનો સમાવેશ થયો હતો.
આ સંખ્યા કેટલી? કોણ હતા તેઓ? આજે તેમાંના કેટલા સ્વર્ગવાસી થઈ ગયા? તેની વિગતો મેળવવી અઘરી છે.
જેલના રજિસ્ટરમાં હોય તો પણ હવે કેટલા રહ્યા તે અંદાજ મળે તેમ નથી, પણ એટલી વાત તો નક્કી કે સમગ્ર ગુજરાતથી જેલવાસ થયો હતો. 26 જૂન, 1975થી 1 જાન્યુઆરી, 1977 સુધીમાં મિસા કાનૂન હેઠળ ગુજરાતમાં પકડાયેલાઓની સંખ્યા નરેદ્ર મોદીના પુસ્તક ‘સંઘર્ષમાં ગુજરાત’માં 529 આપવામાં આવી છે, જેમને ગુજરાતની અગિયાર જેલોમાં રાખવામા આવ્યા હતા. તેનું રાજકીય રસપ્રદ વિશ્લેષણ પણ થઈ શકે.
જેલોમાં રહેલાઓમાંના આટલા મુખ્યમંત્રી બન્યા: બાબુભાઇ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, વિજય રૂપાણી, રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાની પસંદગી થઈ. કેટલાક કેન્દ્રમાં મંત્રી થયા તેમાં કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલાના નામ યાદ આવે. સૂર્યકાંત આચાર્ય રાજ્યસભામાં મોકલાયા હતા, ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા 50 જેટલી, જુદા-જુદા નિગમો, કોર્પોરેશનના મેયર, મંત્રીઓ પણ મોટી સંખ્યામાં બન્યા.
બહાર મિસાવાસી રહેલા અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ગુજરાતમાં રાજ્યસભા અને લોકસભામાં ચૂંટાયા હતા. મોરારજીભાઇ દેસાઇ પ્રથમ ગુજરાતી મિસાવાસી વડાપ્રધાન અને પીલુ મોદી સાંસદ. ભૂગર્ભમાં સંઘર્ષ જારી રાખનારા નરેન્દ્ર મોદી તો મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યા. ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં જયવંતી બહેન અને હંસાબહેન રાજદા બંનેનાં નામ યાદ આવે. વીરેન શાહ જ્યોર્જના ડાયનેમાઈટ પ્રકરણમાં સામેલ હતા, તે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા હતા.
ગુજરાતના 529 મિસા પરિવારોને રાજ્ય સરકારે સન્માન-નિધિ સ્વરૂપે પેન્શન આપવું જોઈએ આવી લાગણી વારંવાર વ્યક્ત થતી રહી છે. બીજાં કેટલાંક રાજ્યોની સરકારોએ તેવું કર્યું પણ છે. હવે ગુજરાત સરકાર કટોકટીની અર્ધ શતાબ્દીને ઊજવવાની છે ત્યારે વાણી વિચાર સ્વાતંત્ર્ય અને સેન્સર શિપની સામે લડીને, આર્થિક રીતે અભાવ અનુભવતા પરિવારોને આવું પેન્શન આપવાનો નિર્ણય લે છે કે કેમ તે જોવું રહ્યું.
2025/04/12 18:44:42

❌Photos not found?❌Click here to update cache.


Back to Top
HTML Embed Code: